ખુલ્લી જગ્યાઓમાં સતત વધતો પક્ષીઓને ચણ નાખવાનો ધંધો

અમદાવાદઃ જ્યોતિષમાં પક્ષીઓને ચણ આપવાને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. વિદ્વાનો ગ્રહોની શાંતિ માટે પક્ષીઓને દાણા નાખવાની સલાહ આપે છે. એવા ઘણા લોકો છે, જે પુણ્ય પ્રાપ્ત કરવા માટે રોજેરોજ પક્ષીઓને ચણ નાખે છે. શાસ્ત્ર કહે છે કે પક્ષીઓને ચણ નાખવાથી ઘણા દોષ નાશ પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરોની ફૂટપાથો અને માર્ગો પરના ડિવાઇડરની વચ્ચેની ત્રિકોણિયા, ગોળ આકારની જગ્યાઓ પર ઝડપથી પુણ્યનો ધંધો વિકસી રહ્યો છે.

વહેલી સવારથી જ લોકો પુણ્યનું ભાથું બાંધવા મંદિરો અને ધર્મ સ્થાનોએ પહોંચી જાય છે. આ સાથે જીવદયાપ્રેમીઓ ગાયોને ઘાસ નાખે અને ખુલ્લાં મેદાનોમાં પક્ષીઓને ચણ નાખતા જાય. મોટા ભાગનાં મંદિરો અને શહેરની ખુલ્લી જગ્યાઓમાં ઘાસચારાની લારીઓ અને પક્ષીઓના ચણના થેલા ભરીને બેઠેલા લોકો જોવા મળે છે. પક્ષીઓને અપાતા ચણમાં  જુવાર, મકાઈ, મગ અને બાજરી ઉપલબ્ધ હોય છે. છેલ્લા કેટલાક સમયથી ચણનો ધંધો સતત વિકસતો જાય છે.  અમદાવાદ જેવા શહેરના દરેક વિસ્તારમાં કોર્પોરેશનના ખુલ્લા પ્લોટ, ડિવાડરની જગ્યાઓ પર વહેલી સવારે અસંખ્ય લોકો પક્ષીઓનું ચણ વેચીને પેટિયું રળતા જોવા મળે છે. પક્ષીઓના ચણ એટલે કે પુણ્યના ધંધામાં વધારે મહિલાઓ જ છે.

પક્ષીઓનું ચણ વેચતી મહિલાઓ ચિત્રલેખા.કોમને કહે છે કે પક્ષીઓને અનૂકૂળ ચણ ખરીદી વહેલી સવારથી જ ખુલ્લી જગ્યાઓમાં બેસી જઈએ. ચાર-પાંચ કલાકમાં જ સારી કમાણી થઈ જાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારના ડિવાઇડરો પક્ષીઓના ચણ માટે ફાળવવાનો ઠરાવ પણ થઈ ગયો છે. પક્ષીઓના ચબૂતરાની સાથે શહેરની ખુલ્લી જગ્યાઓમાં પુણ્યનો ધંધો સતત વધતો જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)