ભારતીય દંપતી સંચાલિત સંસ્થા દ્વારા ફેશન-વીકનું આયોજન

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ભારતીય દંપતી સંચાલિત સંસ્થા દ્વારા ફેશન-વીકનું આયોજન થયું હતું. અમેરિકામાં રહેતા ભારતીય દંપતી સ્મિતા અને કિશોર વસંતની સંસ્થા સેફ્રોન સ્પોટ અને એલ.એ. ફેશન દ્વારા લોસ એન્જલસના સેરિટોઝમાં સ્થિત હોટલ સેરેટોનમાં એલ. એ. ફેશન-વીકનું આયોજન થયું હતું. આ ફેશન-વીકમાં જ્વેલરી, રેડીમેડ ગારમેન્ટ્સના સ્ટોલ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ ફેશન-વીકમાં ફેશન ડિઝાઇનર્સ દ્વારા વિવિધ ફેશનનાં વસ્ત્રો રજૂ થયાં હતાં અને એ સાથે યોજાયેલા પ્રદર્શનની ૨૦૦૦થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ ફેશન-વીકના છેલ્લા દિવસે ફેશન-શોનું આયોજન થયું હતું, જેમાં ૩૮ જેટલા ડિઝાઇનર્સ દ્વારા તૈયાર થયેલાં વસ્ત્રોનું ૩૦થી વધુ મોડેલો દ્વારા પ્રદર્શન થયું હતું.

ફેશન-વીકના સફળ આયોજનમાં ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહનો સહયોગ રહ્યો હતો.

યોગી પટેલે જણાવ્યું હતું કે  વસંત દંપતી દ્વારા દર વર્ષે ફેશન-વીકનું આયોજન કરવામાં આવે છે. જે ફેશન ડિઝાઇનર્સ અને ફેશનચાહકો માટે એક નવીનતમ અનુભવ રહે છે, જેથી હું વસંત દંપતીને શુભેચ્છા પાઠવું છું.

આ ફેશન-વીકમાં દેશ-વિદેશમાં જાણીતા ફેશન મેકઅપ આર્ટિસ્ટ હેવિયરે વિશેષ હાજરી આપી હતી. આ ફેશન-શોની કોરિયોગ્રાફી આયોજક સ્મિતા વસંતે કરી હતી. છેલ્લાં ૧૦ વર્ષથી યોજાતા એલ. એ. ફેશન નવા ફેશન ડિઝાઇનર્સ, વ્યવસાયીઓ માટે એક તક સમાન બની રહે છે.

આ ફેશન-વીકમાં સેરિટોઝના કાઉન્સિલ મેન ફ્રેન્ક, આર્સેટિયાના કાઉન્સિલ મેન અલી તાજ, આર્સેટિયાનાં કાઉન્સિલ વુમન મોનિકા, આર્ટેસિયા ચેમ્બર્સના તમામ હોદ્દેદારો તથા બીજેપી ફ્રેન્ડસ ઓફ ઓવરસીઝના પી. કે. નાયક હાજર રહ્યા હતા.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]