અમદાવાદઃ રાજ્યમાં ‘તાઉ’તે’એ ભારે વિનાશ વેર્યો છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
આ વાવાઝોડાએ રાજ્યમાં ભારે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ તારાજી, પાણી અને વિનાશનાં દ્રશ્યો સર્જાયાં છે. આ વાવાઝોડાના કારણે લીધે રાજ્યમાં કુલ 45 લોકોનાં મૃત્યુ થયાં છે.
મુખ્ય પ્રધાન રૂપાણીએ ખેતીના નુકસાન વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘તાઉ’તે’થી ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે અને અનેક પશુઓનાં મોત થયાં છે. જોકે તેમને સહાયતા તથા ઘરવખરી આપવામાં આવશે. મુખ્ય પ્રધાન રૂપાણીએ નુકસાનના સર્વેની કામગીરી તત્કાળ શરૂ કરવામાં આવશે તથા માછીમારો અને ખેડૂત સહિત તમામને સહાય ચૂકવવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું
સૌરાષ્ટ્રમાં લગભગ 90 ટકા ઊભો પાક નષ્ટ
રાજ્યમાં પ્રાથમિક અંદાજ આકલન મુજબ ‘તાઉ’તે’થી સૌરાષ્ટ્રમાં લગભગ 90 ટકા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. કૃષિ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ખેતીને થયેલા નુક્સાનની વિગતવાર માહિતી મેળવવા આવતા સપ્તાહથી સર્વેની કામગીરી હાથ ધરાશે. સૌથી વધુ નુક્સાન દરિયાકાંઠાના વિસ્તારોમાં થયું છે, જ્યાં વાવાઝોડાંને કારણે 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે અંદરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પવનને કારણે 70 ટકા જેટલું નુક્સાન થયું છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ તેમ જ બોટાદમાં સૌથી વધુ નુક્સાન થયું છે.