એસ્સારે સરકાર સાથે 55,000, કરોડના મૂડીરોકાણ માટે MoU કર્યા

અમદાવાદઃ એસ્સાર ગ્રુપે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પહેલાં ગુજરાત સરકારે સાથે એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ ક્ષેત્રે મૂડીરોકાણ માટેના રૂ. 55,000 કરોડના ત્રણ સમજૂતી કરાર કર્યા છે. ગ્રુપની આ પહેલ થકી રાજ્યમાં 10,000 રોજગારીનું સર્જન થશે. છેલ્લા ચાર દાયકાઓમાં એસ્સારે ગુજરાતમાં એનર્જી, મેટલ એન્ડ માઇનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રૂ. એક લાખ કરોડથી વધુનું મૂડીરોકાણ કર્યું છે. કંપનીના વિકાસમાં ગુજરાતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મુખ્ય ઓદ્યૌગિક પ્રોજેક્ટ્સમાં કંપનીના મૂડીરોકાણે રાજ્યના ઓદ્યૌગિકીકરણને વેગ આપ્યો છે, જે મૂડીરોકાણ થકી રાજ્યને મૂડીરોકાણ સ્થળનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરતાં એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઇયાએ જણાવ્યું હતું કે  કંપનીના વ્યૂહાત્મક મૂડીરોકાણ થકી ગુજરાત સતત સૌથી અગ્રેસર રહ્યું છે. આ સાથે અમે પાયાના એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વધારાના રૂ. 55,000 કરોડના મૂડીરોકામની સાથે રાજ્યની આર્થિક પ્રગતિમાં યોગદાન કરવામાં આનંદ થઈ રહ્યો છે.કંપની એ એક ગિગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વિકસાવવા માટે એકર્જી ટ્રાન્ઝિશનમાં રૂ. 30,000 કરોડના મૂડીરોકાણ માટે સમજૂતી કરાર કર્યા છે. આ સાથે કંપની સલાયા પાવર પ્લાન્ટમાં બીજા તબક્કાના વિસ્તરણ માટે વધારાના રૂ. 16,000 કરોડના મૂડીરોકાણ માટે સમજૂતી કરાર કર્યા છે અને કંપનીએ સલાયા પોર્ટને લોજિસ્ટિક્સ હબમાં બદલવા માટે રૂ. 10,000 કરોડના મૂડીરોકાણ માટેરાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર કર્યા છે. કંપની આ મૂડીરોકાણના સમજૂતી કરાર સાથે રાજ્યના વિકાસ માટે યોગદાન આપવાનું જારી રાખશે.