મહિલાઓની સહાયતા માટે સજ્જ સખી વન સ્ટોપ સેન્ટર

જ્યારે કોઇ મહિલા સાથે કોઈ ઘટના કે દુર્ઘટના બને. એ મહિલાને સમસ્યા ઉભી થાય ત્યારે કોઈપણ પોલીસ સ્ટેશનની હદ નક્કી કરવામાં સમય બરબાદ ના થાય. આ સાથે મહિલાને તરત જ સહાય મળે એ માટે શહેરની સોલા સિવિલ હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જે મહિલાઓનું, મહિલાઓ માટે અને મહિલાઓ વડે શહેર પોલીસનું એક ખાસ ક્રાઇમ યુનિટ છે. જેમાં ભોગ બનનાર મહિલાઓ સીધી જ ફરિયાદ કરી શકે છે.

સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા

મહિલાઓ માટેના સખી વન સ્ટોપ સેન્ટર વિશે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અમદાવાદ શૈલેષ આબંરિયાએ ચિત્રલેખા.કોમ સાથે ખાસ વાતચીત કરી હતી. ઘરેલુ હિંસા, શારીરિક અત્યાચાર, માનસિક અત્યાચાર, છેડતી જેવી અનેક ઘટનાઓ મહિલાઓ સાથે બનતી હોય છે. આવે વખતે પોલીસ સ્ટેશનની હદ અને અન્ય મદદ માટે કેટલીક મહિલાઓ પાસે માહિતી જાણકારી હોતી નથી. આ સમયે મહિલાઓને સરળતા રહે એ હેતુથી દરેક જિલ્લામાં આ પ્રકારના સહાય કેન્દ્રો શરૂ કરવાનું નક્કી થયું. અમદાવાદ શહેર મોટું હોવાથી પૂર્વમાં અસારવા સિવિલ ખાતે તેમજ પશ્ચિમમાં સોલા સિવિલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ વન સ્ટોપ સેન્ટરમાં સહાય કેન્દ્રનો મહિલા સ્ટાફ, મહિલાની સમસ્યા જાણી એમને પોલીસ, ડોક્ટર કે વકીલ જેની સહાયની જરૂર પડે એ રીતે તબક્કા વાર મદદ કરે. જિલ્લાનો મહિલા અને બાળ વિકાસ અધિકાર વિભાગના આ સહાયતા કેન્દ્ર માટે નિમવામાં આવેલા એક પોલીસ ઇન્સ્પેક્ટર, તબીબ, વકીલ મહિલાને સહાયતા પૂરી પાડે. સહાયતા કેન્દ્ર દ્વારા કાઉન્સિલિંગ FIR માટે તો મદદ કરવામાં આવે જ છે. આ સાથે સતત પાંચ દિવસ સુધી આશ્રય, ખોરાક જેવી તમામ સુવિધા પિડીત મહિલાને પૂરી પાડવામાં આવે છે.

તાલીમબદ્ધ મહિલા પોલીસનો સ્ટાફ તૈયાર કર્યો

શૈલેષ આંબલિયા કહે છે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી અજય ચૌધરી નિર્ભયા પ્રોજેક્ટ સાથે પણ છે. સખી વન સ્ટોપ સેન્ટર માટે એમણે એકદમ તાલીમબદ્ધ મહિલા પોલીસનો સ્ટાફ તૈયાર કર્યો છે. આ સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકાર વિભાગ દ્વારા બોપલ, ઓઢવ, વસ્ત્રાપુર, કારંજ પોલીસ સ્ટેશનમાં પણ મહિલા સહાયતા કેન્દ્ર ખુલ્લા મુક્યા છે. દરેકમાં બે  મહિલા કાઉન્સિલર સહાયતા માટે મુકવામાં આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)