અમદાવાદઃ રાજ્ય સરકારે એ ખાતરી કરવી જોઈએ કે કોરોના કાળમાં ફી ચૂકવવાની અસમર્થતાને કારણે માતા-પિતા પોતાનાં બાળકોને શાળામાંથી પરત ખેંચવાની ફરજ પાડવામાં ન આવે, એમ હાઇકોર્ટે જણાવ્યું છે. ગસા મહિને હાઇકોર્ટ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસની અસરને લીધે માતા-પિતા માટે બાળકોને શિક્ષણ અપાવાનું મુશ્કેલ બન્યું હોય એવા કિસ્સામાં સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એજ્યુકેશન એવી બાબત છે કે જેની સાથે ક્યારેય સમાધાન ના થવું જોઈએ, એમ જજે આઠ જાન્યુઆરીએ આદેશમાં જણાવ્યું છે.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ડિવિઝન બેન્ચે આઇઆઇએમ-અમદાવાદ અને યુનિસેફના સર્વેની નોંધ લઈ જાહેર હિતની અરજી ‘સુઓ મોટો’ને આધારે આ મુદ્દે નિર્દેશ આપ્યા હતા. આ સર્વેમાં લોકડાઉન દરમ્યાન અનેક ઘરોમાં નાણાકીય મુશ્કેલીઓને પ્રકાશિત કરવામાં આવી હતી, કેમ કે લોકડાઉન દરમ્યાન સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન પણ બંધ હતું.
હાઇકોર્ટની ખંડપીઠે આ અરજીને બંધ કરતાં કહ્યું હતું કે અમે રાજય સરકારને એક વાતની ખાતરી અપાવવા માગીએ છીએ કે જે માતા-પિતા સ્કૂલ ફી ચૂકવવામાં અસમર્થ હોય તેવાં બાળકોને શિક્ષણ આપવાનું બંધ ના થાય એનું સરકાર ધ્યાન આપે.શક્ય છે કે સરકાર દ્વારા અપાતી સહાય થોડાક પરિવારો સુધી ના પહોંચી હોય, એમ સર્વે કહે છે. સરકારે આવા કેસો પર તત્કાળ ધ્યાન આપવું જોઈએ અને શક્ય એટલી મદદ પહોંચાડવી જોઈએ, એમ કોર્ટે જણાવ્યું હતું.
આ સર્વે જુલાઈથી સપ્ટેમ્બર, 2020 દરમ્યાન અમદાવાદના 375 નીચી આવક ધરાવતા પેરેન્ટ્સ પર કરવામાં આવ્યો હતો, જેમાંના 31 ટકા બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતાં હતા. જેમાં જોવા મળ્યું હતું કે 85 ટકા પેરેન્ટ્સના બાળકોને સ્કૂલ બંધ હતી, ત્યારે પ્રાથમિક શાળામાંથી કોઈ સહાય મળી નહોતી અને તેમને મધ્યાહન ભોજન પણ બંધ થતા અન્ય કોઈ મદદ મળી નહોતી શકી. આ સર્વનેમાં 40 ટકા પેરેન્ટ્સ ફીમાં રાહતના આદેશથી અજાણ હતા, જ્યારે 50 ટકાએ કહ્યું હતું કે તેમને ફી માટેનાં નાણાંની જોગવાઈ કરવામાં મુશ્કેલી હતી.