9,778 કરોડની સંપત્તિ જપ્ત, બેંકોને ચૂનો લગાવનારા સાંડેસરાબંધુઓ સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ બેંકોને 8100 કરોડ રુપિયાનો ચૂનો લગાવનારા ગુજરાતના વડોદરાના વ્યાપારી સાંડેસરા બ્રધર્સ વિરુદ્ધ ઈડી દ્વારા એક્શન લેવાની શરુઆત કરવામાં આવી છે. ઈડીએ અત્યાર સુધી તેઓની આશરે 9778 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. જેમાં લંડનમાં સ્થિત પ્રોપર્ટી અને પ્લેનનો પણ સમાવેશ થાય છે, જેને જપ્ત કરવામાં આવ્યાં છે. ગુજરાતના બે ભાઈ ચેતન સાંડેસરા અને નિતીન સાંડેસરા બેંકોને ચૂનો લગાવ્યા બાદ ફરાર છે અને તેમના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.

સ્ટર્લિંગ બાયોટેકના માલિક નિતીન અને ચેતન સંદેસરા વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી પહેલાં જ શરુ થઈ ગઈ છે. આ ગોટાળામાં નિતીન અને ચેતન સિવાય હિતેશ કુમાર પટેલ અને દીપ્તિ સંદેસરા પણ આરોપી છે. આ લોકો વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ મામલે ઈડી દ્વારા કુલ 191 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આમાં સાત લોકો છે જ્યારે બાકી 184 રજિસ્ટર્ડ કંપની છે. આમાં સ્ટર્લિંગ બાયોટેક, પીએમટી મશીન, સ્ટર્લિંગ SEZ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. જો આ મામલે હિતેશ પટેલની વાત કરીએ તો તેમને પણ ભારતીય એજન્સીઓ શોધી રહી છે.

હિતેશ, નીતિન અને ચેતનનો જ ભાઈ છે. તેને ઘણી ખોટી કંપનીઓનો ડાયરેક્ટર બનાવવામાં આવ્યો હતો. બંન્ને ભાઈ હિતેશ દ્વારા પોતાના પૈસાને બ્લેકથી વ્હાઈટ બનાવતા હતા. આ મામલે તેમના વિરુદ્ધ નોન બેલેબલ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. સીબીઆઈએ આ માંમલે તેમના વિરુદ્ધ 2017માં એફઆઈઆર નોંધી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગત વર્ષે ઈડી તેમની ઘણી સંપત્તિ જપ્ત કરી ચૂક્યું છે. જપ્ત સંપત્તિઓમાં કેશ, શેર અને ચલઅચલ સંપત્તિનો સમાવેશ થાય છે. આ લોકો પર આંધ્રા, UCO , સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈલાહાબાદ બેંક, અને બેંક ઓફ ઈન્ડિયા સાથે છેતરપિંડીનો આરોપ છે.