નર્મદામાં વધુ જળસંગ્રહની ગુજરાતની આશા પર કમલનાથ સરકારે ઠંડુ પાણી રેડ્યું

નર્મદાઃ નર્મદા ગુજરાતની જીવાદોરી છે. સરદાર સરોવર ડેમની હાઈટ સપ્ટેમ્બરમાં 138.68 મીટર જેટલી વધારવામાં આવી. ગુજરાત સરકારને આ વર્ષે આશા હતી કે તેઓ ચોમાસા દરમિયાન વધુ નીરનો સંગ્રહ કરી શકશે. પરંતુ કમલનાથની આગેવાની વાળી મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે હવે આ મામલે રોડા નાંખવાનું શરુ કરી દીધું છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેન્દ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત ત્રણેય જગ્યા ભાજપની સરકાર હતી જેમણે આ ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકોના ઝડપી પુનર્વસન પર ભાર મુક્યો હતો. પરંતુ મધ્યપ્રદેશની નવી કમલનાથ સરકારે પુનર્વસન કામગીરીમાં અનેક ખામીઓ હોવાનું કારણ દર્શાવીને ગુજરાતને નર્મદા સરોવર ડેમમાં સ્ટોરેજ કરવા માટે વધુ પાણી આપવાનું ના પાડી દીધી હતી.

કમલનાથ સરકારમાં નર્મદાવેલી ડેવલોપમેન્ટ ઓથોરિટીના પ્રધાન સુરેન્દ્રસિંહ બઘેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “અમને પુનર્વસન કામગીરીમાં ખૂબ મોટી ખામીઓ દેખાઈ છે. આ કામગીરી માટે જેટલું આપવું જોઈએ તેના કરતા ક્યાંય ઓછું ફંડ ગુજરાત સરકાર મધ્યપ્રદેશને આપી રહી છે.’

બઘેલે જણાવ્યું કે સરદાર સરોવર પ્રોજેક્ટના નામે કેન્દ્ર સરકાર અમને અહીં રહેતા લોકોને કોઈપણ પ્રકારના વળતર વગર જબરજસ્તીથી જગ્યાઓ ખાલી કરવા માટે દબાણ કરી રહી છે જેથી રાજ્યમાં અનરેસ્ટની સ્થિતિ ઉભી થાય. પરંતુ કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ અમે શોધી કાઢ્યું કે આ લોકોના પુનર્વસન માટે ગુજરાતે જેટલું ફંડ આપવું જોઈએ તેના કરતા ઓછું મળી રહ્યું છે.

જેથી અમે આ પ્રોજેક્ટના કારણે કેટલા ખરેખર અસરગ્રસ્ત પરિવારો છે તેની માહિતી ભેગી કરવા નવો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે.’તેમણે વધુમાં કહ્યું કે ‘એકવાર સર્વે પૂર્ણ થઈ જાય પછી મધ્યપ્રદેશ સરકાર ગુજરાત સરકાર પાસેથી વધુ રુપિયાની માગણી કરશે. આ મામલે અમારા મુખ્યપ્રધાને કેન્દ્ર સરકાર અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી સમક્ષ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]