રેશન-આધાર લિન્કઅપ મામલે અધિકારીઓની હેરાનગતિ મામલે HCમાં ફરિયાદ

અમદાવાદ- રેશનીંગનો સામાન આપતી વખતે કનેક્ટિવિટીના અભાવે ઓનલાઇન એન્ટ્રી ના થઈ હોય અને મેન્યુઅલ રજીસ્ટરમાં એન્ટ્રી કરી હોય તેની ટકાવારી ઉંચી હોય તેવા કિસ્સાઓમાં સરકારી અધિકારીઓ તરફથી થતી હેરાનગતિને લઈને રાજ્યના ફેર પ્રાઇસ શોપ ઓનર્સ એસોસિએશને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.

એસોસિએશનનું કહેવું  છે કે, રેશનીંગનો સામાન લેવા માટે આધારકાર્ડ ફરજિયાત બનાવાયું છે, જોકે સામાન્ય સંજોગોમાં આધારકાર્ડ સિવાય પણ રેશનીંગની સામગ્રી આપી શકાય તેવો સરકાર તરફથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગ્રાહક જોડે સરકાર માન્ય ૧૩ પુરાવામાંથી કોઈપણ એક પુરાવાની ખરાઈ કર્યા બાદ સામગ્રી આપી શકાય તે અંગેનો પરિપત્ર હોવા છતાં સરકારી અધિકારીઓની હેરાનગતિ અંગે હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.  પબ્લિક ડ્રિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ગેરરીતિઓ રોકવા માટે આધારકાર્ડનું લિન્ક ફરજિયાત કરાયું છે.

ફેરપ્રાઇસ શોપ ઓનર્સે આધાર કાર્ડની અવેજીમાં અપાયેલા જથ્થા બાબતે અલગથી રજિસ્ટર રાખવાનો નિયમ છે. આ રજીસ્ટરમાં ગ્રાહકની વિગતો અને ખરાઇ કરેલા પુરાવાની વિગતો નોંધવી પણ જરૂરી છે. કનેકટીવીટીના અભાવે આધારકાર્ડનું લિન્ક-અપ ન થઈ શકે તો જ્યારે કનેક્ટિવિટી મળે ત્યારે આ તમામ માહિતી ફેરપ્રાઈસ શોપ ઓનર્સ તરફથી અપલોડ કરવાની રહે છે.

સરકારનો પરિપત્ર અને હાઇકોર્ટના અગાઉના આદેશ બાદ પણ રેશનિંગની દુકાનોના માલિકોને પડતી હાલાકીના મુદ્દે એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે, અરજીમાં એસોસિએશનના ફેર પ્રાઈસ શો૫ ઓનર્સને સરકારે આપેલી નોટિસોને પડકારી છે.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે તેમના નિવેદનમાં કહ્યુ કે, 90 ટકાથી વધારે કિસ્સાઓમાં આધાર લિન્ક ફેલ થાય એ શંકા ઉપજાવે છે. હાઈકોર્ટે આ નોટિસ પર સુનાવણી ચાલુ રાખવા માટે નિર્દેશ કર્યો છે અને હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે ત્યાં સુધી નોટીસ પર સુનાવણી બાદ પણ કોઈ આખરી નિર્ણય ન લેવો તેમ પણ જણાવ્યું છે.