અમદાવાદમાં વિઘ્નહર્તાનું વિસર્જન

 અમદાવાદઃ રાજ્યમાં લોકો ગણેશજીને વાજતે-ગાજતે વિસર્જન કરી રહ્યા છે. દસ દિવસ સુધી વિઘ્નહર્તાને રંગચંગે પૂજી, આરાધના કરી લોકો ધામધૂમપૂર્વક ગણેશ વિસર્જન કરી રહ્યા છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે ગણેશ કુંડ બનાવ્યા છે. AMCએ ગણેશ વિસર્જન માટે 46 કુંડ બનાવ્યા છે.

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઢોલ-નગારાં સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌથી વધુ કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ સાથે AMCએ સાતથી નવ ફૂટ જેટલી મોટી મૂર્તિઓના વિસર્જન માટે 10 જેટએ જગ્યાએ ક્રેનની સુવિધા પણ રાખવામાં આવી છે.

ગણેશ વિસર્જનના પગલે શહેરના તમામ માર્ગો પર ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધારે ટ્રાફિક હોય એવા વિસ્તારોના માર્ગો બંધ કરવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જતાં સુભાષ બ્રિજથી રિવરફ્રન્ટ દધિચી બ્રિજ તરફ  જવાનો રોડ પોલીસે બંધ કરી દીધો છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  બંધ માર્ગો પર વાહનચાલકોને  બેથી ત્રણ કિલોમીટર સુધી ફરીને જવાની ફરજ પડી છે. ગણપતિની મૂર્તિ વિસર્જન કરનારા લોકો માટે જ રિવરફ્રન્ટના રોડ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

આજે ગણેશ વિસર્જનના પગલે શહેર માંથી લોકો રિવરફ્રન્ટ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કુંડ તરફ પહોંચી રહ્યા છે. ઘર, સોસાયટી, મહોલ્લાની નાની મોટી મૂર્તિઓ સાથે ગણેશ ભગવાનને લોકો વાજતે-ગાજતે વિદાય આપી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)