હીરાના વેપારીને ત્યાં દરોડાઃ કરોડોની ટેક્સ-ચોરી પકડાઈ

સુરતઃ CBDTએ કહ્યું હતું કે આવકવેરા વિભાગે રાજ્યના એક મુખ્ય હીરા ઉત્પાદક અને નિકાસકર્તાને ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં કરોડો રૂપિયાની ટેક્સ-ચોરીનો ખુલાસો થયો છે. ઇન્કમ-ટેક્સ વિભાગે રત્નકલા એક્સપોર્ટ પ્રા.લિ. નામની ડાયમંડ ઉત્પાદક-એક્સપોર્ટર પેઢીના સુરત, નવસારી, મોરબી, નવસારી અને મુંબઈ સહિત 23 જેટલાં સ્થળો પર સર્વે હાથ ધર્યો હોવાની વિગતો સાંપડી છે. આ નિકાસકાર  ટાઇલ્સ બનાવવાના વ્યવસાયમાં પણ છે. આ દરોડ હજી પણ જારી છે.

સુરત ઇન્કમ-ટેક્સ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્વેસ્ટિગેશન વિંગની 50થી વધુ અધિકારીઓની ટીમે આજે ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલી રત્નકલાએક્સપોર્ટ પ્રા. લિ. પેઢીના સુરત-મુંબઈ નવસારી તથા મોરબીની કુલ ૨3 જેટલાં ધંધાકીય સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં હીરા ખરીદ-વેચાણ તથા સ્ટોક સંબંધે થોકબંધ દસ્તાવેજી પુરાવા કબજે કરીને વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડાયમંડના વ્યવસાય સાથે પેઢીના સંચાલકોને ત્યાં સુધી રિયલ એસ્ટેટનાં રોકાણોને લગતા દસ્તાવેજો પણ આવકવેરા વિભાગને હાથ લાગ્યા છે.


પ્રારંભિક તપાસમાં માલૂમ પડ્યું છે કે રૂ. 518 કરોડના નાના પોલિશ કરવામાં આવેલા હીરોના બિનહિસાબી ખરીદ-વેચાણ થયેલું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત રૂ. 95 કરોડથી વધુના હીરાને સ્ક્રેપમાં-રોકડમાં વેચવામાં આવ્યા છે. આ સાથે રૂ. 1.95 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે. એ સાથે રૂ. 10.98 કરોડની કિંમતના  8900 કેરેટના હીરા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ જપ્ત થયેલી વસ્તુઓ બિનહિસાબી છે. છેલ્લાં બે વર્ષમાં કંપની દ્વારા રૂ. 189 કરોડની ખરીદી અને રૂ. 1040નું વેચાણ કરવામાં આવ્યું હતું.