ધ્રાંગધ્રાની યુવા-બ્રિગેડનું ‘વિશ્વ સાઇકલ દિવસે’ અનોખું સાઇકલિંગ-અભિયાન

સુરેન્‍દ્રનગર: કોરોના રોગચાળાએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવ્યું છે. કેટલાકે સવારે દોડવાનું અને કેટલાકે તો યોગા અને સાયકલિંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. સુરેન્દ્રનગરમાં આવેલા ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડ કોરોનાના કપરા સમયમાં સાઇકલિંગના માધ્યમથી લોકોને આરોગ્ય પ્રત્યે જાગ્રત બનાવવા અદકેરું કાર્ય કરી રહી છે. સુરેન્દ્રનગર આશરે ૭૦થી ૮૦,000ની વસતિ ધરાવતા ધ્રાંગધ્રાનાં કેટલાંક ઉત્સાહી કિશોર-કિશોરીઓએ મે, ૨૦૨૦માં “Sunday Cycling”ના નામથી એક મોર્નિંગ સાઇકલિંગ ગ્રુપ શરૂ કર્યું. ફક્ત પાંચથી છ વ્યક્તિઓથી શરૂ કરવામાં આવેલા આ ગ્રુપમાં આજે એક વર્ષના અંતે લગભગ ૬૫ જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે. દરરોજના સરેરાશ ૩૦ કિલોમીટર સાઇકલિંગને અંતે છેલ્લા એક વર્ષમાં આ ગ્રુપે અંદાજે ૬૦,000 કિલોમીટરથી પણ વધુ સાઇકલિંગ કર્યું. ગ્રુપે મે મહિનામાં જ ૧૭,000 કિલોમીટરથી પણ વધુ સાઇકલિંગ કર્યું હતું.

આ જ ગ્રુપના એક સભ્ય ડો. નીલેશ સંઘવી જણાવે છે કે ધ્રાંગધ્રામાં ભાવેશભાઈ મારવી દ્વારા શરૂ કરાયેલા આ સાઇકલિંગ ગ્રુપની ખાસિયત એ છે કે આ ગ્રુપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે. આ સાઇકલિંગ ગ્રુપમાં ૧૦ વર્ષથી લઈને ૫૦ વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાઇકલિંગ કરવા આવે છે.

ડો. ભાવેશ પટેલ આ ગ્રુપની સિદ્ધિઓ વિષે વાત કરતાં કહે છે કે અમે સાઇકલિંગ કરવાની સાથે કેટલીક સાઇકલિંગને લગતી ઇવેન્ટમાં પણ ભાગ લઈએ છીએ. જે પૈકી ગયા વર્ષે કોરોના કાળમાં બે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં અમે ભાગ લીધો હતો. પહેલી ઇવેન્ટમાં જ્યાં ૧૦૦ કિલોમીટર સાઇકલિંગ કરવાનો ટાર્ગેટ હતો, ત્યાં અમારા ગ્રુપના ૪૫ સભ્યો દ્વારા માત્ર સાત જ કલાકમાં આ અંતર કાપી ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો હતો, જયારે બીજી દાંડીયાત્રા સાઇકલિંગ ઇવેન્ટમાં અમારા ગ્રુપના ૬૫ જેટલા સભ્યોએ ૩૮૫ કિલોમીટર સાઇકલિંગ કર્યું હતું.

(નીતિન રથવી)