રાજ્યમાં ઉત્તરાયણની ધૂમઃCMએ પતંગની મજા માણી

અમદાવાદઃ રાજ્યમાં ઉતરાયણની ઉજવણી માટે પતંગરસિકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી છે, પતંગરસિયાઓ પેચ લડાવવામાં મશગૂલ થયા છે અને આજે દિવસભર આકાશમાં પતંગબાજીનું યુદ્ધ જામશે. પતંગરસિયાઓ ગીતોની રમઝટ વચ્ચે પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે.

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદમાં દરિયાપુરની પોળમાં પતંગ ચગાવ્યો હતો. અમદાવાદમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે  પતંગ ચગાવ્યા બાદ  ચિક્કીનો આસ્વાદ પણ માણ્યો હતો. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં વાડીગામ વિસ્તારના નવા તળિયાની પોળના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે  લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા આપી  હતી તેમજ સાવચેતીથી પતંગ પર્વ ઊજવવાની અપીલ કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી મુદ્દે સરકાર કડક પગલાં લઈ રહી છે. આ દોરી કોઈ માટે જીવલેણ સાબિત ન થાય તેનું ધ્યાન રાખવુ જોઈએ.

અમિત શાહ પણ  રાજ્યમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પતંગોત્સવને માણવા ગત સાંજથી અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે જગન્નાથ મંદિરમાં દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તેમણે જગ્ન્નાથ મંદિરની ગૌશાળામાં પણ ગયા હતા. ત્યાર બાદ તેઓ વેજલુપર ખાતે  ધારાસભ્ય અમિત ઠાકર તેમ જ ભાજપના અન્ય કાર્યકર્તાઓ સાથે મળીને પતંગ ચગાવ્યો હતો.