સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે

રાજ્યમા તુવેર, ચણા અને રાયડાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ગઈ કાલે રાજ્ય સરકારની દ્વારા ખેડૂતસક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. રાજ્ય સરકારે પહેલી ફેબ્રુઆરીથી ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડો ટેકાના ભાવે ખરીદશે.

1 ફેબ્રુઆરીથી નોંધણીની પ્રક્રિયા શરુ
આ વખતે સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને રાહત મળી છે ત્યારે રાજ્યના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કર્યું છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી 1 ફેબ્રુઆરી 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે. . ખેડૂતો 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2023 સુધી ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

ગાંધીનગર ખાતે મળી હતી બેઠક
રાજ્યમાંથી ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી,જેમાં રાધવજી પટેલે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. રાજ્યભરમાં 1 ફેબ્રુઆરી 2023થી તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા શરુ થશે. જે અંતર્ગત આગામી 10 માર્ચ 2023 થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે.

ખેડૂતો મફતમાં કરાવી શકશે નોંધણી
રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવાની રહેશે. ખેડૂતો ઇ-ગ્રામ કેન્દ્રો ઉપર ખેડૂતો વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે, જેમાં નોંધણી કરાવ્યા બાદ ખેડૂતો આગામી 10 માર્ચ 2023 સુધી વિવિધ કેન્દ્રો પરથી ટેકાના ભાવે તેમના પાકોનું વેચાણ કરી શકશે. સમગ્ર રાજ્યમાં ખેડૂતો વિનામૂલ્યે ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી કરાવી શકે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે.

જાણો કેટલા મળશે ભાવ
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા માટે તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ 6600 રૂપિયા, એટલે કે પ્રતિ મણ 1320 રૂપિયા, ચણા માટે પ્રતિ ક્વિ. 5335 રૂપિયા એટલે કે પ્રતિ મણ 1067 રૂપિયા તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5450 રૂપિયા એટલે કે પ્રતિ મણ 1090 રૂપિયાનો ટેકાનો ભાવ નક્કી કર્યો છે.