ધોલેરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઊજવાયો

ગાંધીનગરઃ ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)એ ગુજરાત ટુરિઝમના સહયોગથી સૌપ્રથમ વાર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ વિભાગના રાજ્ય મંત્રી  ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્ય સરકારના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધંધુકાના ધારાસભ્ય  કાળુભાઈ ડાભી અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ વિશેષ કાર્યક્રમમાં વિશ્વભરના આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થયા હતા. કેનેડા, યુએસ, રશિયન ફેડરેશન, ન્યુ ઝીલેન્ડ, શ્રીલંકા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને અન્ય ઘણા દેશોના કાઈટ ફ્લાયર્સ આવ્યા હતા. ધોલેરાના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૮ દેશોમાંથી ૪૨ પતંગબાજો અને ચાર  ભારતીય રાજ્યોમાંથી ૨૬ પતંગબાજો અને ગુજરાતમાંથી ૨૫ પતંગબાજો મળીને કુલ ૯૮ પતંગબાજો સહભાગી થયા હતા. આ પતંગબાજોએ તેમના અવનવા પતંગોને ચગાવી કાર્યક્રમને  જીવંત અને રંગીન બનાવી દીધો હતો.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ વિભાગના રાજ્ય મંત્રી  ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ કહ્યું હતું કે ધોલેરા સ્માર્ટ સિટી માટે આજે ગૌરવ અને આનંદનો પ્રસંગ છે, કેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનું વિશ્વ સ્તરીય ઔદ્યોગિક સ્માર્ટ સિટી વિકસાવવાનું વિઝન સાકાર થઈ રહ્યું છે. ધોલેરા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું શહેર હશે અને વિશ્વ સમક્ષ ભારતની ક્ષમતાનું પ્રદર્શન કરશે.

રાજ્ય સરકારના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે ગુજરાતની ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક નવું પ્લેટફોર્મ આપ્યું છે. ધોલેરા જેવા વિશિષ્ટ પ્રદેશને પ્રવાસન અને તહેવારો દ્વારા પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ ખૂબ જ સફળ થશે.

DSIRDAના CEO અને DICD Ltdના MD IAS હારિત શુક્લાએ તેમના સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીના દિવસે જ ધોલેરા કાઇટ ફેસ્ટિવલની યજમાની કરી રહ્યું છે. આ વર્ષનો પતંગોત્સવ G20 થીમ પર છે જેમાં ભારત G20 દેશોની પ્રેસિડેન્સી કરી રહ્યું છે. આગામી વર્ષોમાં ધોલેરા વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક શહેર બનશે. કાઇટ ફેસ્ટિવલ વિશ્વભરના રોકાણકારો અને વ્યવસાયોને આકર્ષવામાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે.