ચૂંટણી પંચની રૂપાલાને ક્લીનચિટ છતાં પદ્મિનીબાનું ઉપવાસ આંદોલન

રાજકોટઃ પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન માટે ભાજપના પ્રદેશાધ્યક્ષે માફી માગ્યા પછી પણ વિવાદ શમવાનું નામ નથી લેતો, બલકે રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. એક બાજુ રાજકોટ સહિત આણંદના ઉમરેઠમાં પણ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યાં છે, ત્યારે બીજી બાજુ રાજકોટમાં કરણી સેનાનાં મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહીં, અમદાવાદમાં આજે મળનારી ક્ષત્રિય સમાજની બેઠક પદ્મિનીબા વાળાને નથી બોલાવવામાં આવ્યાં, પણ તેમણે કહ્યું હતું કે મને કોઈ આમંત્રણ આપવામાં નથી આવ્યું. આ બેઠક ફક્ત ક્ષત્રિય સમાજ વચ્ચે થવી જોઈએ.

રૂપાલાને નહીં બદલવામાં આવે તો રાજ્યમાં રાજપૂત સમાજે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના મોટા નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોની વચ્ચે જબરદસ્ત રીતે ઘેરાયેલા છે.  રૂપાલાના

વિરોધમાં રાજ્યમાં પહેલાં ભાવનગર રાજવી પરિવાર વિરોધમાં ઊતર્યો, ત્યાર બાદ વઢવાણ અને હવે આજે લીંબડી સ્ટેટ ઠાકોરસાહેબે પણ વિરોધ નોંધાવ્યો છે.  રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને વિરોધ રેલી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ક્ષત્રિય સમાજ રેલીઓ કરીને આવેદનપત્ર આપીને ટિકીટ રદ કરવાની માગ કરી રહ્યોં છે, ત્યારે રાજયના ચૂંટણી પંચે રૂપાલાને ક્લીનચિટ આપી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટને આધારે ક્લીનચિટ મળી છે. ખાસ વાત છે કે ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ આ નિવદેન અંગે ફરિયાદ કરી હતી.