ગાંધીનગર– ૧ મે ર૦૧૮થી શરુ કરવામાં આવેલી એપ્રેન્ટિસ યોજનાને પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવાયું છે. યોજનાની શરુઆતે સીએમ દ્વારા 5,000 યુવાનોને રાજ્યના વિવિધ એક્મો ખાતે એપ્રેન્ટિસ તરીકે કરારબદ્ધ કરવામાં આવ્યાં હતાં જેમાં અત્યાર સુધી જુદાજુદા સેકટરના 7,000થી વધુ એકમોની રૂબરૂ મુલાકાત લઇ એપ્રેન્ટિસ ભરતી માટેની અંદાજે 45,000થી વધુ વેકેન્સી મેળવવામાં આવી છે.આ જગ્યાઓ મુજબ રાજયના વિવિધ સ્થળોએ 300થી વધુ ભરતીમેળાના આયોજન દ્વારા એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવી રહી છે, તેમ રોજગાર અને તાલીમ નિયામકની યાદીમાં જણાવાયું છે.જિલ્લા કક્ષાએ એપ્રેન્ટિસ ભરતીના લક્ષ્યાંક ફાળવી કલેકટરની કક્ષાએથી સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અનુસાર ગત જૂન-૨૦૧૭માં ૨૧,૦૦૦ જેટલા એપ્રેન્ટિસે રાજયના વિવિધ એકમો ખાતે તાલીમ મેળવી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષથી અમલમાં આવેલ મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાના પરિણામે વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા હાલમાં જુન-૨૦૧૮ સુધીમાં ૩૮,૦૦૦થી વધુ એપ્રેન્ટિસ વિવિધ ખાનગી એકમો, રાજ્ય તથા કેન્દ્રના જાહેર સાહસો ખાતે તાલીમ મેળવી રહ્યા છે.
આ યોજના અંતર્ગત ટ્રેડ એપ્રેન્ટિસ ઉપરાંત તમામ સ્નાતક, ડિગ્રી તેમજ ડિપ્લોમા ઇજનેરી શાખાના ઉત્તીર્ણ ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે તાલીમબદ્ધ કરવા શ્રમ અને રોજગાર વિભાગ સહિત સરકારશ્રીના જુદા જુદા અન્ય ૦૯ વિભાગોને પણ સહભાગી બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગ, પ્રવાસન વિભાગ, શિક્ષણ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, તેમ જ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગોને પણ લક્ષ્યાંક ફાળવવામાં આવ્યા છે. એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનાના સુદઢીકરણના ભાગ રૂપે શરૂ કરાયેલ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એપ્રેન્ટિસની શૈક્ષણિક લાયકાત અનુસાર અપાતા પ્રોત્સાહનના પરિણામે એપ્રેન્ટીસ ભરતીમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ યોજનાએ યુવાઓને રોજગારક્ષમ બનાવવાની બાબતે સમગ્ર દેશમાં નવો રાહ ચીંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનાના વ્યાપને વિસ્તારવા માટે 1 લાખ એપ્રેન્ટિસની ભરતીના લક્ષ્યાંક સાથેની મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯થી શરૂ કરવામાં આવી છે.