પાસપોર્ટ માટે હવે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાનું ફરજિયાત નથીઃ સુષમા સ્વરાજ

નવી દિલ્હી – વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આજે જાહેરાત કરી છે કે પાસપોર્ટ માટે દંપતીઓ માટે એમનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાનું ફરજિયાત બનાવતો કાયદો હવે રદ કરવામાં આવ્યો છે.

કેટલાક પરિણીત પુરુષો અને મહિલાઓ તરફથી કરવામાં આવેલી ફરિયાદોને પગલે સરકારે આ નિર્ણય લીધો છે.

સુષમા સ્વરાજે કહ્યું છે કે છૂટાછેડા લેનાર કેટલીક મહિલાઓએ એવી ફરિયાદ કરી હતી કે એમને પાસપોર્ટ માટે અરજી કરતી વખતે એમનાં ભૂતપૂર્વ પતિનું નામ લખવું પડતું હતું તો એમનાં સંતાનોને એમનાથી અલગ થયેલા પિતાનું નામ લખવાનું ફરજિયાત હોય છે. આ ફરિયાદોને પગલે અમે આ નિયમ બદલી નાખ્યો છે.

સ્વરાજે કહ્યું કે, મોદી સરકારે હાથ ધરેલી ઈઝ ઓફ લિવિંગ ઝુંબેશના ભાગરૂપે, પાસપોર્ટ સેવાને લગતા નિયમો હળવા બનાવાયા છે. હવેથી છૂટાછેડા લેનાર સ્ત્રીઓને કે એકલી રહેતી માતાઓનાં સંતાનોને પાસપોર્ટ અરજીમાં ભૂતપૂર્વ પતિ અને માતા-પિતા બંનનાં નામ દર્શાવવાનું ફરજિયાતપણું દૂર કરી દેવામાં આવ્યું છે.

પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે સ્વરાજે એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આને લીધે પાસપોર્ટ સેવાના સરળીકરણમાં સરકારે એક નવું કદમ લીધું છે. હવેથી દેશના કોઈ પણ ખૂણેથી મોબાઈલ ફોન મારફત પણ પાસપોર્ટ માટે અરજી નોંધાવી શકાશે. અત્યાર સુધી પાસપોર્ટ અરજી કમ્પ્યુટર અથવા લેપટોપ પરથી જ કરી શકાતી હતી, પરંતુ હવે મોબાઈલ પરથી પણ અરજી નોંધાવી શકાશે. અરજદારનું પોલીસ વેરિફિકેશન એ સરનામાનું હશે જે પાસપોર્ટ અરજી ફોર્મમાં દર્શાવેલું હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]