‘ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ પુસ્તકનું લોકાર્પણ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પડતાંની સાથે જ તેમની જુદી-જુદી તસવીરો નજર સમક્ષ આવી જાય. નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા પછીની તેમની જાહેર જીવનની યાત્રા એકદમ રસપ્રદ રહી. ઘટનાઓ, સભા, સરઘસ, મેળા-મહોત્સવ, જાહેર કાર્યક્રમ અને જાહેરાતોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અસંખ્ય તસવીરો કેમેરામાં કંડારવામાં આવી છે.

તાજેતરમાં જ દિલીપ ઠાકર અને પરાગ શાહે ભેગા મળી ‘ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં સ્વપ્નિલ આચાર્યએ પણ સંપાદનમાં સહયોગ આપ્યો છે. ‘ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ કોફી ટેબલ બુકમાં 2014થી 2022 સુધીની તસવીરો લેવામાં આવી છે. વિવિધ કાર્યક્રમોના 350 જેટલા ફોટોગ્રાફ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી પણ ફોટોગ્રાફી કેવી રીતે કરવી અને કેવી રીતે કરાવવી એમાં ખૂબ જ નિષ્ણાત છે. દરેક કેમેરામેનને તેમની લાક્ષણિક અદાઓની તસવીરો પાડવાની મજા પડી જાય…કારણ કે નરેન્દ્રભાઈ સ્ટેજ પરના કાર્યક્રમમાં કે ઇન્ટરવ્યુ વેળાએ જીવંત તસવીરો આપે…મુખ્ય પ્રધાન હતા ત્યારથી વડા પ્રધાનની સફર સુધી નરેન્દ્ર મોદી વિશે અઢળક પુસ્તકો તૈયાર થયાં છે. અનેક ભાષામાં તેમનાં પુસ્તક છપાયાં છે, જેમાં 2002થી 2014 સુધીની તેમની રાજકીય યાત્રા પર અમદાવાદ શહેરના ફોટો જર્નાલિસ્ટ દિલીપ ઠાકરે પણ પુસ્તક તૈયાર કર્યું છે.

દિલીપ ઠાકર દ્વારા અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીનું આ ત્રીજું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઇના પ્રવાસો, સભાઓ, કાર્યક્રમો અને મુલાકાતો જેવા અનેક વિષયોના ફોટોને ‘ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્ર મોદી’માં પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)