મૃત વ્યક્તિ કઇ રીતે ફિલ્મની સમીક્ષા કરશે?: સરકારની પસંદગીથી સર્જાયા સવાલો

ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. સરકારે આના માટે ગત ચાર નવેમ્બરના રોજ ગુજરાત ચલચિત્ર પ્રોત્સાહન સમિતિ 2019 ની જાહેરાત કરી છે. આ સમિતિમાં ગુજરાતી ફિલ્મ સમીક્ષક તરીકે મૃત વ્યક્તિને નિયુક્ત કર્યા છે. ગુજરાતના સૂચના અને પ્રસારણ વિભાગની આ મોટી ભૂલ વિરુદ્ધ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે જ સવાલો ઉઠાવ્યા છે. 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મને સબસિડી આપવા માટે જે સમિતિ બનાવવામાં આવી છે તે સમિતિના મુલ્યાંકનના આધાર પર જ ફિલ્મને સબસિડી આપવામાં આવે કે નહી આ મામલે નિર્ણય કરવામાં આવી શકે છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે આ સમિતિમાં જે લોકોની નિયુક્તિ કરવામાં આવી છે તે લોકોનો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ નથી. લિસ્ટમાં સિનેમેટોગ્રાફી અને વીએફએક્સ વિભાગમાં જાણીતા કેમેરામેન રણદેવ ભાદુરીને શામિલ કરવામાં આવ્યા છે, જેમનું થોડા સમય પહેલા જ નિધન થયું છે.

ગુજરાતના સૂચના અને પ્રસારણ વિભાગના અધિકારીઓએ જાણકારી મેળવ્યા વગર જ લિસ્ટ તૈયાર કરીને વિભિન્ન કેટેગરીમાં કુલ 204 લોકોની નિયુક્તિ કરી દીધી છે જ્યારે દરેક કેટેગરીમાં માત્ર 10 લોકોની જ જરુર હોય છે. ત્યાર બાદ પણ આ કેટેગરીમાં એ લોકોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જે લોકોનો ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અનુસાર, અત્યારે ગુજરાતી ફિલ્મોનો ગોલ્ડન ટાઈમ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો છેલ્લા ત્રણ થી ચાર વર્ષોમાં સારો વિકાસ થયો છે. ગુજરાતી ભાષામાં સારી ફિલ્મો બની રહી છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ, હેલ્લારો, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, ખિચડી સહિતની ફિલ્મોએ દર્શકોને ગુજરાતી સીનેમા સુધી પહોંચાડવામાં સારી મદદ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]