મનોકામના પૂરી ના થતાં ભક્તે લગાડી મંદિરમાં આગ

રાજકોટઃ રાજ્યમાં એક હિન્દુ વ્યક્તિ ભગવાનથી નારાજ થતાં તેણે બે-બે મંદિરો આગના હવાલે કરી દીધા હતા. તેણે એક મંદિરમાં ભગવાનની મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું છે. આરોપીએ એક મંદિરમાં ટાયર તો બીજા મંદિરમાં લાકડીની મંદિરથી આગ લગાવી દીધી હતી.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા જિયાણા ગામમાં ગઈ કાલે  મોડી રાત્રે કેટલાંક તત્વો દ્વારા રામદેવપીરની મૂર્તિ અને બંગલાવાળી મેલડી માતાજીની છબીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાના પગલે ગામલોકો ગુસ્સે ભરાયા હતા. આ મામલે તાલુકા પંચાયતના સભ્ય કાનજીભાઈ મેઘાણીએ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે PSI એ. કે. રાઠોડ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં એરપોર્ટ પોલીસે પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની ધરપકડ કરી હતી.

ગામના ભૂતપૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાએ ગામના રામદેવપીર મંદિર અને મેલડી માતાજીના મંદિરમાં આગ લગાવી હતી. જ્યારે વાસંગીદાદાના મંદિરમાં તાળું મારેલું હોવાથી મંદિરની અંદર આગ લગાવવાનો પ્રયાસ ન થઈ શક્યો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ આગ લગાવવા પાછળનું કારણ એવું હતું કે તેમની લાગણી દુભાઈ હોવાથી તે ભગવાનથી નારાજ હતો અને આવેશમાં આવીને તેણે આ કૃત્યુ કર્યું હતું.

ભૂતપૂર્વ સરપંચે ખૂબ પૂજા-પાઠ કર્યા હતા, તેમ છતાં સ્થિતિ ન સુધરતાં તેણે ટાયર સળગાવીને મંદિરમાં નાખ્યા હતા. જેમાં રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી સળગી હતી. જેની આરોપીએ પોલીસ સામે કબૂલાત કરી છે.

આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે આઇપીસી 295, 435 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.