રાજય સરકાર જાગીઃ ચાર લાખ ખેડૂતો માટે રૂપિયા 700 કરોડનું પેકેજ

ગાંધીનગર: રાજ્યમાં થયેલ ભારે તથા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયુ છે તે સંદર્ભે અંદાજે રૂ.૭૦૦ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. આ ખાસ સહાય પેકેજનો લાભ ૪ લાખથી વધુ ખેડૂતોને મળશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન સંદર્ભે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારના કેલીમીટી રીલીફ ફંડના ધારાધોરણ મુજબ જે પાકમાં ૩૩ ટકાથી વધારે નુકશાન થયુ હોય ત્યાં પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ અને બિન-પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૬,૮૦૦ ની સહાય ચુકવવામાં આવશે.

આ ઉપરાંત કમોસમી વરસાદના સરવેમાં ખેડૂતોના પાકને જે નુકશાન થયુ છે પરંતુ નુકશાન નિર્ધારીત ધોરણ ૩૩ % કરતા ઓછુ છે તે ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાનો નિર્ણય કરાયો છે.

18 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની પુન: ખરીદી શરુ થશે

૪ લાખથી વધુ ખેડૂતોને રૂ.૭૦૦ કરોડની કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. રાજ્યમાં થયેલ માવઠાને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી રખાઇ હતી તે આગામી ૧૮ મી નવેમ્બર થી પુન: ખરીદી શરૂ કરાશે.

રાજ્યમાં સારા ચોમાસાને કારણે ખરીફ ઋતુમાં ૮૬.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, મગફળી, ડાંગર, કઠોળ પાકો દિવેલા તલ વિગેરે પાકોનું સારા પ્રમાણમાં વાવેતર થયુ છે કપાસનું ૯૦ લાખથી વધુ ગાંસડી મગફળીઓ અંદાજે ૨૫ લાખ મેટ્રીક ટન થી વધુ, ડાંગરનું ૨૦ લાખ મેટ્રીક ટનથી વધુ અને દિવેલાનું ૧૪ લાખ થી વધુ મેટ્રીક ટન ઉત્પાદન અંદાજવામાં આવ્યુ છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદ તથા કમોસમી વરસાદને પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જુલાઇ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસ દરમ્યાન થયેલ ભારે વરસાદ તેમજ ઓક્ટોબર અંતિત અને નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં થયેલ ખેડૂતોના પાકને નુકશાન થયુ હતુ તે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત સરવેની કામગીરી શરૂ કરી હતી જે પૂર્ણતાના આરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]