દાહોદ પોલીસે તોડ્યો રેકોર્ડ, નરાધર્મ આચાર્ય સામે 12માં ચાર્જશીટ રજૂ

દાહોદ જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થિની પર શાળાના આચાર્યએ જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં પોલીસે 12 દિવસમાં જ નરાધમ આચાર્ય સામે 1700 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રિમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય તે પ્રકારની પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલ્લેજ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાંથી 19મી સપ્ટેમ્બરે ધોરણ 1ની વિદ્યાર્થિનીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સવારે શાળાએ ગયા બાદ બાળકી પરત ન ફરતા પરિવારજનો શાળાએ તપાસ કરવા ગયા તો શાળા બંધ હતી. શાળાની અંદર જઈ તપાસ કરતા ક્લાસરૂમની પાછલના ભાગેથી લાશ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા એસપી સહિતનો પોલીસ કાફલો રાત્રિના સમયે જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. તપાસ દરમિયાન શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.

બનાવ બન્યા બાદ શરૂઆતમાં આચાર્યએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આચાર્ચની વાતો પોલીસને ગળે ન ઊતરતાં તેના મોબાઈલ ફોનનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું. જેમાં કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો. આચાર્યએ કબૂલ્યુ કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલાં કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી બાળકીનું મોઢું દબાવી દેતાં બાળકી બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી. શાળા છૂટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કંમ્પાઉન્ડ દીવાલની વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધાં હતાં.

દાહોદ જિલ્લામાં દુષ્કર્મના કેસમાં પોલીસે રેકોર્ડબ્રેક 12 દિવસમાં જ આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી છે. આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે દાહોદ પોલીસ દ્વારા 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 150 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. આરોપી લોઅર કોર્ટથી લઈ સુપ્રિમ કોર્ટ સુધી બચી ન શકે તે માટે પોલીસે સાક્ષીઓની સાથે વૈજ્ઞાનિક પુરાવાઓ પણ એકત્ર કર્યા છે. FSLની મદદ લઈ ફોરેન્સિક ટોક્સિકોલોજી, વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી, એપીથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 65 ટેસ્ટ કરી તેના રિપોર્ટ ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે.