ગુજરાતમાં ગણપતિ બાપ્પાના અનેક મંદિરો છે જે ક્યારેક દાદાની મૂર્તિના કારણે તો ક્યારેક બાપ્પાના આગવા અસ્તિત્વને લઈને ભાવિકોમાં પૂજનીય છે. જેમાં એક નામ છે ઉત્તર ગુજરાતમાં આવેલા દેત્રોજના રૂદાતલ ગામ. જ્યાં ગણપતિ દાદાનું 1200 વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે.
આ મંદિરમાં ભક્તો દાદાને ઘઉંના લાડુ ધરાવે છે
ગણપતિ દાદા આ મંદિરમાં રિદ્ધિ-સિદ્ધિ સાથે બિરાજમાન છે. દૂર દૂરથી લોકો બાપ્પાના દર્શન કરવા આવે છે. ભાવિકોની ગણેશ ઉત્સવમાં અહીં ભીડ જામે છે. તો અનેક ભક્તો ભક્તો ગણેશજીની ચતુર્થી ભરવા નિયમીત આવે છે. આમ તો દાદાને મોદક અને લાડુ ખુબ પ્રિય છે ત્યારે ગણપતિના આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા ઘઉંના લાડુ ધરાવે છે.
પેશ્વાઓ સમયથી પણ જૂનું છે મંદિર
કહેવાય છે કે આ મંદિર પેશ્વાઓના સમયથી પણ જૂનું છે. એક દંતકથા પ્રમાણે રૂદાતલની પાસે સીતાપુરના પટેલોને એક પથ્થર મળ્યો હતો જે ગાડામાં મૂક્યા બાદ ગાડું આગળ ચાલી શક્યું ન હતું. ત્યારે એક પટેલને થયું કે, આ ગાડું પથ્થરનાં કારણે આગળ જતું નથી. એમણે જેવો પથ્થર નીચે મૂક્યો અને ગાડું ચાલવા લાગ્યું હતું. ત્યાર બાદ અહીં ગણપતિના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
દુંદાળા દેવને ગામના લોકો લાડુની જાતર ધરાવે છે
દાદાને રીઝવવા ભક્તો બધુય કરી છુટવા તૈયાર હોય છે. આમ તો મોટાભાગે ગણેશ મંદિરોમાં દાદાને બુંદીના લાડુ ધરાવતા હોય છે, પરંતુ આ ગણેશ મંદિરમાં લોકો પોતાની માનતા પૂર્ણ થાય એ માટે ઘઉંના લાડુનો પ્રસાદ અર્પણ કરે છે. એટલુ જ નહીં દર વર્ષે આ મંદિરમાં દુંદાળા દેવને ગામના લોકો લાડુની જાતર ધરાવે છે.
રાત્રે સંતવાણી અને ભજનનું આયોજન થાય છે
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મંદિરના મુખ્ય આચાર્ય મહંતશ્રી બાબુગીરી ગોસ્વામી કહે છે કે, અમે ચાર પેઢીથી દાદાની સેવા કરીએ છીએ. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બાપ્પાના દર્શન કરવા લાંબી કતારો લાગે છે. રોજ રાત્રે સંતવાણી અને ભજનનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત વૈશાખ સુદ ચોથના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં હજારો લોકો દર્શન કરવા આવે છે. મંદિરમાં દાદાનું વાહન મુષક રાજાની પણ પ્રતિમા સ્થાપિત છે. અહીં બિરાજમાન ગણપતિ દાદા ચમત્કારી છે.
હેતલ રાવ
પ્રજ્ઞેશ વ્યાસ