‘મહા’ વાવાઝોડું: આગામી 24 કલાક મહત્વના, ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ‘મહા’ જે પૂર્વ-મધ્ય અરબ સાગર પર હતુ તે છેલ્લા 6 કલાકમાં 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાક દરમ્યાન મહા વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. શનિવારથી લઈને સોમવારની વચ્ચે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ અને ત્યારબાદ આ પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ ફરીથી આગળ વધશે.

આઈએમડીએ તેમના અખિલ ભારતીય મોસમ પૂર્વાનુમાન બુલેટીનમાં કહ્યુ કે, આગામી 24 કલાકની અંદર પૂર્વ-મધ્ય અરબ સાગર પર વાવાઝોડું મહા વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.

અરબી સમુદ્રમાં સક્રીય થયેલા ‘મહા’ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં અનેક પંથકોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં વાવઝોડું 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં ‘મહા’ વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારીમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દીવમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી જિલ્લાના રાજુલા સહિત જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી છે. એક બાજુ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, તો બીજી તરફ ઉના, સરોવડા, કડીયાળી, બલાણામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ નવાબંદર સહિત રાજપરાના દરિયાકાંઠે રહેતા માછીમારોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

‘મહા’ વાવાઝોડાને લઇને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, વાવઝોડાના પગલે વહીવટી તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે અને રાજકોટ જિલ્લાના તમામ મામલતદાર, તલાટી મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર એલર્ટ કરવામાં આવ્યા છે. અને 10 તારીખ સુધી કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવશે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના બનાવને ધ્યાનમાં રાખી લોકોને અને અધિકારીઓએ એલર્ટ કરાયા છે.

કોડીનારમાં ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઇ છે. આશરે 8 હજાર ગુણી મગફળી હરાજી માટે આવી હતી, તે ભારે વરસાદનાં કારણે પલળી જતા ખેડૂતોને ફટકો પડ્યો છે. સુત્રાપાડામાં પણ ખેડૂતોને ખેતીપાકોમાં ભારે નુકસાન થયું છે. બીજી બાજુ કપાસ, જુવાર અને સોયાબીન પાકોમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યો છે.