ત્રાસવાદી બગદાદી ખરા અર્થમાં કૂતરાના મોતે મરાયો….

સ્લામિક સ્ટેટનો જેહાદી ત્રાસવાદી વડો કૂતરાના મોતે માર્યો ગયો એવું નિવેદન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું હતું. તેમની વાત સાચી પણ હતી, કેમ કે બગદાદી જ્યાં ભરાઈને બેઠો હતો તેની અંદર સૌ પ્રથમ અમેરિકી સેનાના ટ્રેઇન્ડ ડૉગ ઘૂસ્યાં હતાં. મકાનની ફરતે બૂબી ટ્રેપ હશે તેમ ધારીને દરવાજો તોડીને અંદર ઘૂસવાને બદલે બ્લાસ્ટ કરીને મકાનની દિવાલ તોડી પડાઈ હતી.

અચાનક થયેલા વિસ્ફોટથી બગદાદી ફફડી ઉઠ્યો હતો અને પોતાના ત્રણ સંતાનને લઈને ઘરમાંથી ભોંયરા જેવું બનાવ્યું હતું તેમાં ઘૂસી ગયો હતો. પરંતુ કમાન્ડો સાથેના શ્વાન તેની પાછળ પડ્યાં. તેમાં એક શ્વાન તેની સાવ નજીક પહોંચી ગયો હતો અને ત્યારે બગદાદી બાયલાની જેમ રાડ પાડી ગયો હતો એવું વર્ણન પણ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું હતું. ભોંયરામાં આગળ ગયાં પછી બગદાદી ફસાઈ ગયો હતો અને હવે બચી શકાય તેવું નથી એમ તેને લાગ્યું. તેણે છાતી પર લગાડેલી આત્મઘાતી વેસ્ટમાં વિસ્ફોટ કર્યો. તે અને તેના ત્રણ પુત્રો માર્યા ગયાં. સાથે જ તેની પાછળ પડેલો કમાન્ડોનો શ્વાન પણ ઘાયલ થયો હતો.

આ શ્વાનને તાત્કાલિક સારવાર માટે પરત મોકલાયો છે. આ લખાય છે ત્યાં સુધીમાં તે સલામત અમેરિકા પહોંચી ગયો હશે અને કોઈ પશુ દવાખાનામાં તેની સારવાર ચાલી રહી હશે. ડોનાલ્ડ ટ્રમ્પે બાદમાં પોતાના સોશિયલ મીડિયામાં આ બ્લેક શ્વાનની તસવીર પર પ્રસિદ્ધ કરી. તેમાં જણાવાયું કે આ બહાદૂર શ્વાનની તસવીર ડિક્લાસિફાઇ કરવામાં આવે છે, પણ તેનું નામ હજી ડિસ્લાસિફાઇ કરવામાં આવ્યું નથી. તેનો અર્થ એ થયો કે તસવીર હવે જાહેર થઈ ચૂકી છે અને ખાનગી નથી, પણ શ્વાનનું નામ અને તેના વિશેની બીજી વિગતો હજી સત્તાવાર રીતે ખાનગી છે. તેને જાહેર કરી શકાય નહિ.

એક મોટા ત્રાસવાદી નેતાને ખતમ કરી દેવાના ઑપરેશનની મિનિટે મિનિટ વિગતોની ચર્ચાઓ થઈ રહી છે, પણ તે બધા વચ્ચે એક કૂતરા વિશે ચર્ચાને કારણે આપણને નવાઈ પણ લાગે. પણ અમેરિકનો માટે આ નવાઈ નથી, કેમ કે અમેરિકાની લાઇફ સ્ટાઇલમાં શ્વાનનું વિશિષ્ટ સ્થાન છે. આપણે ભારતીયો આમ તો આ વાત સમજી શકીએ છીએ. આપણે પ્રાણીઓને પ્રેમ કરીએ છીએ. આપણે અશ્વ, ગાય અને શ્વાનને જીવની જેમ સાચવીએ છીએ. ગૃહસ્થો માટે ગાય સૌથી પવિત્ર છે, જ્યારે લડાયક પ્રજા માટે અશ્વ સૌથી અગત્યનો છે અને તે પછી શ્વાનનું સ્થાન આવે છે. પણ અમેરિકામાં ગાય અને અશ્વનું એટલું મહત્ત્વનું રહ્યું નથી, ત્યારે તેમના માટે શ્વાન જ નંબર વન છે.

બગદાદી પર હુમલા માટે ડેલ્ટા ફોર્સની અને આર્મીની 75મી રેન્જર રેજિમેન્ટની ટુકડીઓ ગઈ હતી. તેમની સાથે શ્વાનદળ પણ હતું. તેથી ડેલ્ટા ફોર્સ અથવા રેન્જર સાથે આ શ્વાન સંકળાયેલો હશે તેમ ધારી શકાય. અમેરિકનો પોતાના જ્ઞાનની ચકાસણી કરીને શ્વાન કોણ છે, કઈ જાતિનો છે, બ્રીડ કઈ છે, નામ શું છે વગેરે જાણી લેશે. જોકે નામ ક્લાસિફાઇડ હોવાથી, ગુપ્ત રાખવાનું હોવાથી જાહેરમાં નહીં આવે, પણ ઘણાં બધાં લોકો વિગતો જાણી શકશે, કેમ કે અમેરિકામાં શ્વાન અને તેની સાથે સંકળાયેલું મોટું માર્કેટ છે. એક અંદાજ પ્રમાણે અડધોઅડધ અમેરિકનો શ્વાન પાળે છે. શ્વાન માટેની ખાણીપીણી, વસ્તુઓ અને સારસંભાળની મોટી ઇન્ડસ્ટ્રી છે. પ્રમુખ ટ્રમ્પે લખ્યું હતું કે “તે લોકો કહે છે તે પ્રમાણે આપણા કેનાઇનને – હું તેને ડૉગ કહું છું, સુંદર અને પ્રતિભાશાળી ડૉગ – તેને ઇજા થઈ છે અને પરત લાવવામાં આવ્યો છે.”

પ્રમુખે 45 મિનિટ લાંબી પત્રકાર પરિષદ સંબોધી તેમાં સ્વાભાવિક છે કે કઈ રીતે ટ્રેઇન્ડ શ્વાન બગદાદીની પાછળ પડ્યાં તેની વાત પણ આવી હતી. આ તો અમેરિકા છે (આપણે ત્યાં અશ્વની કથાઓ છે તે રીતે) એટલે અમેરિકનોને તરત શ્વાનની કથામાં રસ પડ્યો હતો. પત્રકારોએ પણ પ્રશ્નો પૂછ્યાં હતાં, પરંતુ પેન્ટાગોને (અમેરિકાના સંરક્ષણ વિભાગે) શક્ય એટલી કોશિશ કરીને વિગતો છુપાવી હતી. પણ આટલા મોટા ઓપરેશનમાં શ્વાનની ભૂમિકા હોય અને તેની વાતો વહેતી ન થાય તો જ નવાઈ લાગે. ભારતમાં જૂના સમયમાં યુદ્ધ થાય અને તેમાં અશ્વની બહાદુરી બહાર આવે ત્યારે તેની કથા માંડવી જ પડે. ધીમે ધીમે કૂતુહલ વધતું ગયું અને સૌ કોઈ અમેરિકાના જોશીલા શ્વાનની ચર્ચામાં લાગી ગયાં હતાં.

આખરે સોમવારે ટ્રમ્પે (પ્રજાની નાડ પારખનારા રાજકારણી તરીકે) શ્વાનની તસવીર પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી. આ શ્વાન બેલ્જિયન મેલિનોઇઝ છે. ખડા કાન સાથેની અને શરીર પર વેસ્ટ પહેરેલી તેની તસવીર તેના લશ્કરી રોલને શોભે તેવી છે. કદાચ તે માદા શ્વાન હોય તેવી પણ શક્યતા છે અને તેની પણ રસપ્રદ ચર્ચા થઈ રહી છે. ખૂંખાર બગદાદી પાછળ એક કૂતરી પડી હતી અને તે માર્યો ગયો તે કથા કંઈ જેવી તેવી સનસનાટી મચાવે તેવી કહેવાય?
શ્વાને જેહાદી ત્રાસવાદી પર હુમલો કર્યો તેની આટલી બધી ચર્ચા પાછળ ધાર્મિક સંદર્ભો પણ છે. ઇસ્લામમાં શ્વાનને અપવિત્ર ગણવામાં આવે છે. અમેરિકાના ખ્રિસ્તીઓ શ્વાનને પાળે, પણ મુસ્લિમો શ્વાનને પાળે નહીં. આ વાત તમે હવે ગૌરક્ષાના સંદર્ભમાં સમજો એટલે સ્પષ્ટ થઈ જશે કે શા માટે જેહાદી ત્રાસવાદી કૂતરાના મોતે માર્યો ગયો એવું ટ્રમ્પે કહ્યું હતું. હિન્દુઓ ગાયને પવિત્ર ગણે, જ્યારે મુસ્લિમો માટે ગાય માત્ર એક પ્રાણી છે – આ પ્રકારના સાંસ્કૃતિક અને સામાજિક ભેદ રાજકીય રીતે વિકરાળ સ્વરૂપ લેતાં હોય છે. તેથી જ અમેરિકામાં કેટલાક વિવેચકોએ ટ્રમ્પની ટીકા પણ કરી છે કે, નાહકની તમે ઉશ્કેરણી કરી રહ્યાં છો.

ટ્રમ્પે પોસ્ટ કર્યું હતું કે “અમે બગદાદીને પકડવામાં અને ખતમ કરવામાં જોરદાર કામ કરનારા મજાના ડોગની તસવીર ડિક્લાસિફાઇ કરીએ છીએ (નામ ડિક્લાસિફાઇ કરાયું નથી)!” આ વાત કેટલી અગત્યની છે તેનો અંદાજ એ રીતે પણ આવશે કે શ્વાનની તસવીરને પણ ડિક્લાસિફાઇ કરવી કે નહીં અને તેના વિશે કેટલી વિગતો જાહેર કરવી તે વિશે પેન્ટાગોનમાં દિવસભર ગંભીર ચર્ચાઓ ચાલી હતી. અમેરિકન અધિકારીઓએ ખાનગીમાં પત્રકારોને જણાવ્યું હતું કે શ્વાન વિશેની વિગતો જાહેર એટલા માટે કરી શકાય તેમ નહોતી,  કે જે યુનીટ સાથે તે શ્વાન હતો તે યુનીટ પણ ક્લાસિફાઇડ છે. શ્વાનનું નામ જાહેર થઈ જાય તો તેની સાથે જોડાયેલા સૈનિક અને યુનીટની પણ ઓળખ થઈ જાય.
શરૂઆતમાં સૈન્ય અધિકારીઓએ એટલું જ કહ્યું હતું કે શ્વાનની ઓળખ જાહેર નહીં કરાય, કેમ કે તે હજી પણ ત્યાં સક્રિય છે. તેને થોડી ઈજા થઈ છે, પણ સારવારમાં સારું થઈ રહ્યું છે. આ રીતે ધીમે ધીમે માહિતી અપાતી રહી હતી અને છેવટે ધીમેકથી તેની બ્રીડ કઈ છે તે વાત આવી. પોતાની બુદ્ધિક્ષમતા, એથ્લેટિક્સ અને જરૂર પડ્યે આક્રમકતા દાખવવાના ગુણો ધરાવતો બેલ્જિયન મેલિનોઇઝ શ્વાન છે – આ માહિતી પત્રકાર પરિષદ પછી કેટલાક પત્રકારોને અધિકારીઓએ આપી હતી.

આખરે ટ્રમ્પે તેની તસવીર જ જાહેર કરી દીધી. તે સાથે જ અમેરિકન સેનાના ઇતિહાસમાં વધુ એક હીરો ઉમેરાઇ ગયો, વધુ એક શ્વાન હીરો. અગાઉ ઓસામાને ખતમ કરવા માટેના નેવી સીલના ઓપરેશનમાં કેરો નામનો શ્વાન હતો અને તે પણ હીરો બની ગયો હતો.શું આ શ્વાનને કોઈ લશ્કરી મેડલ મળશે? જાણકારો કહે છે કે હવે તેવી શક્યતા રહી નથી, કેમ કે નિયમ બદલાઈ ગયો છે. અમેરિકાની સેનામાં વર્ષોથી શ્વાનની સેવા લેવામાં આવે છે, અને ભૂતકાળમાં તેને પદક પણ અપાતાં હતાં. જોકે તેના કારણે સૈનિકોને અપાતા પદકની ગરિમા ઘટે છે તેવી દલીલો પછી આ પ્રથા બંધ કરવામાં આવી હતી. બ્રિટનમાં હજી પણ આવી પ્રથા ચાલે છે. ભારતમાં વીર ચેતક સહિતના અશ્વોની કથાઓ લોકોના હૃદયમાં સદાય સંઘરાઇ જાય છે અને તે જ તેનું સૌથી મોટું સન્માન હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]