અમદાવાદમાં આજે કોંગ્રેસની CWC મીટિંગઃ PM મોદીના વતનમાં જ કોંગ્રેસ ફૂંકશે ચૂંટણીનું બ્યુગલ

અમદાવાદ – મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસની કારોબારી સમિતિ – કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક આજે અહીં યોજાવાની છે. ગુજરાતમાં CWCની બેઠક 58 વર્ષ બાદ આજે ફરી મળવાની છે. એ માટે પક્ષપ્રમુખ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ અમદાવાદમાં આવશે. એ માટે સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

12 માર્ચ ‘દાંડી કૂચ’ના ઐતિહાસિક દિવસે યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, UPAનાં ચેરપર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા તથા પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવશે.

CWC મીટિંગ અને ત્યારબાદ અમદાવાદમાં યોજાનાર ‘જય જવાન જય કિસાન જન સંકલ્પ રેલી’ માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓને આવકારવા ગુજરાત કોંગ્રેસ એકમ સજ્જ બન્યું છે.

અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધીએ 1930ની 12 માર્ચે શરૂ કરેલી દાંડી કૂચના વાર્ષિક દિનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેની CWC મીટિંગ અમદાવાદમાં યોજવાનું નક્કી કર્યું છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે સવારે સાડા નવ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી તેઓ સાબરમતી આશ્રમમાં નિર્ધારિત પ્રાર્થના સભામાં હાજરી આપશે.

પ્રાર્થના સભા પૂરી થયા બાદ સવારે 11.20 વાગ્યે શાહીબાગ ખાતે શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. 11.30 વાગ્યે સરદાર વલ્લભભાઈ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. એ બેઠક બપોરે લગભગ બે વાગ્યા સુધી ચાલશે.

સરદાર સ્મારક ખાતે જ નેતાઓ ભોજન લેશે. ત્યારબાદ તેઓ સરદાર સ્મારક ભવન ખાતે પ્રદર્શન નિહાળશે.

બપોરે 3 વાગ્યે અડાલજમાં કોંગ્રેસની જાહેર સભા યોજાશે.

કોંગ્રેસના ગુજરાત માટેના પ્રભારી રાજીવ સાતવે કહ્યું છે કે ભાજપને ગુજરાતમાં સત્તા પરથી દૂર કરવા માટે અમે ગુજરાતમાં અમારા ચૂંટણી પ્રચારનો આરંભ કરીશું.