કારને ઠંડી રાખવાનું દેશી એસી… જૂઓ અમદાવાદીનો અનોખો ઉપાય

અમદાવાદ– ઉનાળાનો આકરો તાપ… તોબા તોબા… આ ગરમીથી. ગરમી બચવાના લોકો અનેક નુસખા અપનાવે છે. કેરીનો રસ, શ્રીખંડ, શરબત, શેરડીનો રસ, ફળોના જ્યૂસ, વરિયાળીનો શરબત, આઈસ્ક્રીમ, બરફના ગોળા વિગેરે લોકો ખાઈપીને ઠંડકનો અહેસાસ કરે છે, તો બીજી તરફ લોકો ઘરમાં કુલર અને એસીમાં રહેવાનો આશરો લે છે. પણ એક અમદાવાદીએ પોતાની આખી કારને ગરમી સામે રક્ષણ આપવા અને કારની મુસાફરીમાં ગરમી ન લાગે તે માટે ગાયભેંસના છાણનો ઉપયોગ કર્યો છે.અમદાવાદમાં રહેતાં રુપેશ ગૌરાંગા દાસે પોતાના ફેસબૂક અને ટ્વીટર પર કેટલીક તસવીરો શેર કરી છે, અને લખ્યું છે કે છાણનો સૌથી સારો ઉપયોગ… આ ફોટા અમદાવાદમાંથી લેવામાં આવ્યા છે, અને તેમણે એક મહિલાના નામ સાથે વધુમાં લખ્યું છે કે 45 ડિગ્રી તાપમાન સામે રક્ષણ મેળવવા અને પોતાની કારને ગરમ થતી અટકાવવા છાણની કાર પર લીપણ કર્યું છે.

તસવીરો જોતાં સ્પષ્ટ થાય છે કે કારને છાણના લીપણથી કોટિંગ કરેલું છે. આ તસવીરો જોઈને કંઈક નવું લાગે અને આશ્ચર્ય પણ થાય તે સ્વભાવિક છે. કારમાં બેસનારને છાણની દુર્ગંધ નહીં મારતી હોય, તે પ્રશ્ન થાય. પણ વાત એવી છે કે ગામડામાં ઘરની દીવાલો અને જમીન-ફળીયામાં છાણની લીપણવાળી હોય છે, ત્યાં ક્યાં વાસ મારે છે. આ લીંપણ ઉનાળામાં ઠંડક આપવાનું કામ કરે છે. અને તે જંતુનાશક અને મચ્છરને દૂર રાખવાનું કામ કરે છે. હજુ પણ ભારતના ગામડાઓમાં છાણના લીંપણવાળા ઘર જોવા મળે છે. ગાય દરેક રીતે ઉપયોગી છે, તેવું આપણે જાણીએ છીએ, પણ કાર પર છાણનું લીપણ કરીને કારને ઠંડી રાખવાનું દેશી એસી તો આજે પહેલીવાર જોવા મળ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]