અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ભારતભરમાં કોરોનાવાઈરસના કેસ વધી ગયા હોવા છતાં રાજ્યમાં લોકડાઉન ફરી લાગુ કરવામાં નહીં આવે.
રૂપાણીએ કહ્યું કે લોકોએ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે, જેમ કે માસ્ક પહેરીને, સેનિટાઈઝરનો ઉપયોગ કરીને અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને તેમણે કોરોના રોગચાળાનો ફેલાવો રોકવો જ પડશે. માસ્કના દંડમાં સરકારને રૂપિયામાં કોઈ રસ નથી, આપણે આશા રાખીએ કે કોઈએ દંડ ન ભરવો પડે. કોરોના હારશે અને ગુજરાત જીતશે. લોકોએ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું, અગાઉની જેમ સંયમ જાળવવાની જરૂર છે. (ગઈ કાલે શનિવારે ગુજરાતમાં કોરોનાના નવા 1,565 કેસ નોંધાયા હતા. એ સાથે રાજ્યમાં આ બીમારીના કુલ કેસોની સંખ્યા 2,85,429 થઈ છે. શનિવારે કોરોનાને કારણે રાજ્યમાં છ જણના મરણ થયા હતા. મરણનો કુલ આંક 4,443 થયો છે.)