કોરોના-કેસોમાં ઉછાળોઃ અમદાવાદમાં નવ દિવસમાં 3170 કેસો

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ ફરી કોરોના વાઇરસના કેસ વધ્યા છે. અમદાવાદ અને સુરતમાં 450થી વધુ પોઝિટિવ કેસ નોંધાતાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1730 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. સ્થાનિક ચૂંટણીઓ પૂરી થતાંની સાથે જ રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે.

છેલ્લા એક મહિનામાં ચૂંટણીનાં પરિણામ પહેલાં અને ચૂંટણીના પરિણામ બાદ કોરોનાના કેસોમાં છ મહાનગરોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ પૈકી અમદાવાદ અને સુરતમાં તો ચૂંટણીનાં પરિણામ પહેલાં નોંધાતા હતા તેના કરતાં 7-8 ગણા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં એક મહિના પહેલાં 69 કેસ અને પછી 502 કેસ, સુરતમાં એક મહિના પહેલાં 61 અને પછી 476 કેસ, વડોદરામાં એક મહિના પહેલાં 67 કેસ અને પછી 142 પર પહોંચ્યા છે. રાજકોટમાં એક મહિના પહેલાં 44 કેસ અને પછી 117 કેસ જામનગરમાં એક મહિના પહેલાં 8 કેસ અને પછી  23 અને  ભાવનગરમાં એક મહિના પહેલાં 4 કેસ અને પછી 18 કેસ નોંધાયા છે.

શહેરમાં 15થી 23 માર્ચના નવ દિવસના ગાળામાં 3170 નવા કેસ નોંધાયા છે. શહેરમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા અને જોધપુર જેવા વિસ્તારમાં સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ કન્ટેનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એએમસી દ્વારા શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે વધુ 27 એરિયાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ 175 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન થઈ ચૂક્યા છે. જેમાં શહેરના લાંભા વોર્ડમાં શાંતિનગર-2માં સૌથી વધુ 50 મકાનો, જગતપુર રોડ, ચાંદલોડિયામાં 40 મકાનોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે સ્ટેડિયમ, થલતેજ, ખોખરા અને ઈસનપુરમાં પાંચ વિસ્તારોને કન્ટેમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.