બાળકોના પોષણનું ધ્યાન રાખતી બહેનોના આંદોલનનો અંત શું?

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત રાજ્ય માટે કેટલીક યોજનાઓ અમલમાં લવવામાં આવી છે. જે અંતર્ગત  આંગણવાડીઓમાં કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ કુપોષણની કામગીરી પર વધુ ભાર મુકી આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલ 2008થી ગુજરાતના તમામ તાલુકા સ્તરે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર પર બાલ સેવા કેન્દ્ર (CMTC/NRC) સેન્ટર કાર્યરત કર્યા છે. જેમાં કુપોષિત બાળક અને સાથે માતાને યોગ્ય સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે. આ સેન્ટરમાં કુક અને વોર્ડ આયા બહેનોની નિમણુક કરવામાં આવી હતી. જેઓ સાત માસથી લઈને પાંચ વર્ષના બાળકોને પોષણ(ફીડિંગ કરાવવાનું) આપવાનું અને જમાવાડું કામ કરીએ છીએ. આ કુક/વોર્ડ આયા બહેનોને શરૂઆતમાં લગભગ 3500 રૂ. આસપાસ વેતન ચૂકવવામાં આવતું હતું. બાદમાં તેમને CMTC/NRCમાંથી અલગ કરી વર્ષ 2017માં સખી મંડળમાં કે રોજમદાર તરીકે કાર્યરત કરવામાં આવ્યા. ત્યારથી લઈને અત્યારે સુધી તેમને માત્ર 7500 રૂ. વેતન તરીકે આપવામાં આવે છે. આથી હવે પગાર વધારા સહિતના અન્ય લાભોની માગ સાથે આ બહેનો ધરણાં પ્રદર્શન યોજી ગાંધીનગર આરોગ્ય વિભાગના અલગ-અલગ અધિકારીઓને અરજી કરી રહી છે.

બીજાના બાળકને પોષણ આપતી આ બહેનો કેટલાક દિવસોથી ગાંધીનગરમાં પોતાની સાથે થતાં શોષણ સામે લડત આપી રહી છે. સરકાર સમક્ષ માગ મુકતી આ બહેનોને એવો જવાબ પણ મળ્યો, કે તમારી શું પોસ્ટ છે? અમારા વિભાગ હેઠળ આપની પોસ્ટ નથી આવતી… તમે આ કચેરી જઈ અરજી કરો… તમારી ફાઈલ મોકલી આપી હવે ફોલો અપ માટે એક અઠવાડિયા પછી આવજો..

આ મુદ્દે ચિત્રલેખા.કોમચંદ્રીકાબેન સાથે વાતચીત કરી. જેઓ મહિસાગર જિલ્લામાં કુક અને વોર્ડ આયા તરીકે કાર્યરત છે. તેમણે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, “અમે કુક અને વોર્ડ આયા બહેનો સાત માસથી પાંચ વર્ષના બાળકને પોષણ આપવાનું અને જમાવાડું કામ કરીએ છીએ. શરૂઆતમાં NRSM એ અમને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લીધા હતા. જ્યારે 2017માં અમને ત્યાંથી હટાવી રોજમદાર તરીકે રાખવામાં આવ્યા અને ત્યારે અમારો વેતન દિવસ 250 એટલે કે મહિનાના 7500 નક્કી કર્યો હતો. જે બાદ પાછલા આઠ વર્ષમાં અનેક રજૂઆત બાદ અમારા પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના લગભગ તમામ અધિકારીને રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ મળ્યો નથી. કેટલીક વાર ફોલોઅપ લેવાનું કહી ટાળવામાં આવ્યું, કેટલીક વખત તમારો કેસ અમારા અધિકાર નીચે નથી આવી રહ્યો એવું કહી ટાળવામાં આવ્યું. જેથી હવે અમે અમારી માગ સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છીએ. અમારી માગ એટલી જ છે કે સામાન્ય રોજમદારની જેમ સરકારના ધારાધોરણ હેઠળ અમને પગાર વધારો કરી આપવામાં આવે. કેમ કે, અમે આ પગારમાં ઘર ચલાવી શકતા નથી. જ્યારે અમે 12 કલાકની નોકરી કર્યા બાદ સરકારી રજા વગર કાર્યરત હોવા છતાં પણ અમને પૂરો પગાર વધારો મળી રહ્યો નથી.”

તો બીજી બાજુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે થયેલી મુલાકાત વિશે વાત કરતા ધર્મિષ્ઠા બેન જણાવે છે, “અમે અત્યાર સુધીમાં તમામ આરોગ્ય ખાતાના અધિકારીને મળી ચૂક્યા છીએ. આ ઉપરાંત તમામને અમારી રજૂઆત પણ કરી છે. જ્યારે અમે ફોલો અપ માટે બીજી મુલાકાત કરીએ છીએ ત્યારે જોઈશું.. કરીશું.. જેવા જવાબ સિવાય કશું મળતું નથી. અમે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ અમારી મુંજવણ વિશે જણાવ્યું હતું. પહેલી મુલાકાત વખતે તેમણે અમારી સાથે વાત કરી અમારી વેદના સમજી ત્યારે એક ફાઈલ તૈયાર કરાવી અને સમસ્યાનું સમાધાન લાવવાનું આશ્વાસન આપ્યું હતું. જ્યારે બીજી અને ત્રીજી મુલાકાત બાદ અમને વારંવાર ન આવવા માટે કહેવામાં આવ્યું. હવે તો સીન એવો છે કે અમારી સમસ્યાઓનું સમાધાન એક સાઈડ પર રહ્યું અમારી રજૂઆત પણ સાંભળવામાં આવતી નથી.”

બાળકોને પોષણ આપતી કુક/ વોર્ડ આયા બહેનોના શોષણ પર વાત કરતા ધર્મિષ્ઠાબેન કહે છે, “જ્યારે અમે સખી મંડળમાં રજૂઆત કરવા પહોંચ્યા, ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યુ કે કુક અને આયા બહેનો વિશે અમને કોઈ જાણ નથી. અમારા સખી મંડળ હેઠળ કુક અને આયા બહેનો આવતા નથી. આ ઉપરાંત IAS અધિકારી સુધી અમારા વિશે કોઈ પણ જાણ નથી.”

ગુજરાતની 700થી વધુ બહેનો, જે પોતાનું ગુજરાન ચલાવવા માટે કુક અને વોર્ડ આયા તરીકે ફરજ બજાવે છે. રાજ્યની આ બહેનો કે જે બીજાના બાળકોને પોષણ આપવાનું કામ કરે છે, તેમની સરકારના ચોપડે કોઈ નોંધ જ નથી? આ બહેનો લગભગ છ દિવસથી ગાંધીનગર બહાર શાંતિપૂર્ણ વાતાવરણમાં આંદોલન કરી રહ્યા છે અને તેમના પ્રશ્નોનું ક્યારે નિરાકણ આવશે તે પણ એક મોટો સવાલ અત્યારે તો ઉભો જ છે.