અમદાવાદઃ ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ 160 ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે. ભાજપે આ 160 ઉમેદવારો પૈકી નરોડા વિધાનસભાની બેઠક પરથી પાયલ કુલકર્ણીને ટિકિટ આપી છે. પાયલ ભાજપના નેતા મનોજ કુલકર્ણીની પુત્રી છે અને ચૂંટણી મેદાનમાં સૌથી યુવા ઉમેદવાર પણ છે, પણ તેનું નામ આવતાં મોટો વિવાદ થઈ રહ્યો છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે પાર્ટીએ નરોડા પાટિયાનાં તોફાનોના આરોપીની પુત્રીને ટિકિટ આપવાનો શરમજનક નિર્ણય કર્યો છે.
રાજ્યમાં વર્ષ 2002માં થયેલાં રમખાણોમાં અમદાવાદ સ્થિત નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ તોફાનોમાં 33 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાના એક દિવસ પછી બની હતી. ઓગસ્ટ, 2009માં નરોડા પાટિયા કાંડનો કેસ શરૂ થયો હતો, જેમાં 62 આરોપીઓની સામે આરોપ નોંધાયા હતા. એ યાદીમાં મનોજ કુલકર્ણીનું નામ પણ સામેલ હતું. હવે ભાજપે તેમની પુત્રીને ચૂંટણીના મેદાનમાં નરોડાથી ઉતારી છે.
કોંગ્રેસે પાયલની ઉમેદવારી પર સવાલ કરતાં કહ્યું હતું કે શું ભાજપને કોઈ બીજો ઉમેદવાર નહીં મળ્યો? ભાજપ લાંબા સમયથી આવું જ કરી રહ્યો છે. એનું નકલી હિન્દુત્વ હવે બેનકાબ થયું છે. તેના જીતવાની કોઈ સંભાવના નથી. હવે પાયલને નામે વિવાદ જરૂર છે.
જોકે ભાજપનાં ઉમેદવાર પાયલ કુલકર્ણી વર્ષ 2010માં રશિયામાં MDનું શિક્ષણ લીધું છે અને તે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કામ કરી રહી છે.
