અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધી કિશોરીઓ કે યુવતીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવાની લવજેહાદ પ્રવૃત્તિ બળવત્તર બની રહી હતી. વાતોમાં કે પ્રલોભનમાં આવી આ પ્રવૃત્તિમાં ફસાઈ પડતી યુવતી કે કિશોરી પોતાના જ પરિવાર કે સમાજનો સહકાર ન મળતાં ઓશિયાળી હોવાનો અનુભવ કરતી હતી, પણ હવે વિધાનસભામાં સત્તાવાર રીતે તો ધર્મ સ્વાંતંત્ર્ય સુધારા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં સતત આઠ કલાકની ચર્ચા બાદ બિલ પસાર કરવામાં આવ્યું છે. હવે બિલને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે. ગુજરાત ધર્મ સ્વાતંત્રતા સુધારા બિલ પસાર થતાં રાજ્યમાં લવજેહાદને નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર લગામ લાગશે.
ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્ય વિધાનસભામાં આજે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદો પસાર થયો છે. સમાજના વિવિધ અગ્રણી સંસ્થાઓ દ્વારા મળેલી ફરિયાદોને આધારે સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રેમમાં ફસાવાતી અનેક દીકરીઓ આપઘાત કરવા મજબૂર બને છે તેવામાં એને અટકાવવા આ કાયદો બનાવવો જરૂરી છે.
રાજ્ય પોલીસનાં ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે હવેથી આંતરધર્મ લગ્ન કરવા માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી જરૂરી છે, એવી જોગવાઈ કાયદામાં છે. જેથી જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર આંતરધર્મ લગ્ન કરવામાં આવ્યાં હશે તો કડક કાયદાકીય કાર્યવાહી શક્ય બનશે. ડીવાય. એસ.પી. રેન્કના પોલીસ અધિકારી જ આવા કેસની તપાસ કરશે તે મહત્વની બાબત છે.
સામાજિક રીતે યુવતીઓને ફસાવી ચલાવાતી લવજેહાદની પ્રવૃત્તિ ઉપર કાયદાકીય અંકુશ મેળવવા માટે આ કાયદા સુધારો મહત્વનો બની રહેશે. ધર્મ સ્વાતંત્ર્ય સુધારા કાયદાની ચર્ચામાં અમદાવાદના વસ્ત્રાપુરમાં લવજેહાદના બે, આનંદનગરમાં એક અને સુરતના લિંબાયતમાં એક કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.