ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી પછી 23 નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થવાનું હતું, પણ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકારે સ્કૂલ-કોલેજો ખોલવાનું મુલતવી રાખ્યું હતું. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રૂપાણી સરકાર ઉચ્ચ માધ્યમિક સ્કૂલ અને કોલજો તેમ જ યુનિવર્સિટીઓ તબક્કાવાર ખોલવા પુનર્વિચાર કરી રહી છે. ગાંધીનગરમાં શિક્ષકો સાથે વાતચીત કર્યા પછી શિક્ષણપ્રધાન ભપેન્દ્રસિંહ ચુડાસમાએ આવા સંકેતો આપ્યા હતા.
રાજ્ય સરકાર યુનિવર્સિટી, ઉચ્ચ માધ્યમિક સ્કૂલો અને કોલેજો કઈ તારીખથી શરૂ કરવા વિચારી રહી એ શિક્ષણપ્રધાને જણાવ્યું હતું. આ મુદ્દે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ રચવામાં આવશે અને સ્કૂલ-કોલેજો તબક્કાવાર ફરીથી ખોલવા માટે નિર્ણય લેશે, એમ તેમણે જણાવ્યું હતું.
શિક્ષણ વિભાગનાં ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર જાન્યુઆરીમાં ઉતરાણ પછી યુનિવર્સિટી અને સ્કૂલ-કોલેજો શરૂ કરે એ માટે વિચારણા કરી રહી છે. જેથી કોલેજો, યુનિવર્સિટી અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા લેવામાં મદદ મળી રહેશે. જોકે પ્રાઇમરી સ્કૂલ ખોલવા માટે સરકાર હજી રાહ જોશે.