ગાંધીનગરઃ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે કોરોના રોગચાળામાં પણ સત્તા ભૂખી કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે, એ હતાશાજનક છે. કોંગ્રેસે ગુજરાત સરકાર પર આક્ષેપ કરતાં પહેલાં રાજસ્થાન અને પંજાબની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. ત્યાર બાદ ગુજરાત સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવવા જોઈએ.
કોંગેસ પહેલાં તેમના શાસિત રાજસ્થાન અને પંજાબના લોકોની શી સ્થિતિ છે એ પહેલાં જુએ પછી અમારી વાત કરે. રાજ્યમાં અત્યારે 93,000 પથારી ઉપલબ્ધ છે. એપ્રિલમાં પાંચ લાખ રેમડિસિવિર ઇન્જેકશન પૂરાં પાડવામાં આવ્યાં છે અને અમદાવાદના GMDC મેદાનમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલમાં DRDOના સહયોગથી 900 બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે.
કોરોનાની રોગચાળામાં કોરોના સંક્રમણ અટકે, રિકવરી રેટ વધે, મરણનું પ્રમાણ ઘટે એ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. વળી લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે એ માટે 11 ઓક્સિજન પ્લાન્ટ સ્થપવાનીની સરકારની તૈયારી છે. આઇસીયુ બેડ ઉપલબ્ધ છે. લાખો લોકોને રસીના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યમાં ઓક્સિજન માટે સિનિયર અધિકારી મોનિટરિંગ કરી રહ્યા છે અને હાલ રાજ્યમાં 11 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હાલની વ્યવસ્થાઓ મારી દ્રષ્ટીએ સારી છે અને ધારાસભ્યો મેડિકલમાં વપરાતાં સાધનો માટે ગ્રાન્ટ આપી શકશે.