રાજકોટ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં આવતીકાલ તારીખ 1 અને 2 મેના રોજ PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો ગોઠવાયા છે. તેના પર સહુ કોઈની નજર છે. PM મોદી સૌરાષ્ટ્રમાં 2જી મેના રોજ આવી રહ્યા છે. તેના બીજા દિવસે 3જી મેના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજકોટ આવી રહ્યા હોવાનું કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું.
PM મોદી સૌરાષ્ટ્રમાં વઢવાણ , જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે નરેન્દ્ર મોદીની સભામાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસના આગેવાનો એ જણાવ્યું હતું કે , કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે રાજકોટ ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓનો પ્રવાસ કાર્યક્રમ હજુ ગોઠવાઈ રહ્યો છે રાજકોટના ઢેબર ચોકમાં સભા કરે તેવી શક્યતા છે. રાજકોટમાં તેઓ વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે. આ ઉપરાંત 5મી મેના રોજ પ્રચારના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી પણ સૌરાષ્ટ્રમાં આવી રહ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. હાલ સુધી તેમણો કોઈ કાર્યક્રમ નક્કી થયો નથી. આમ ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં બંને મુખ્ય પક્ષો જોર લગાવી રહ્યા છે.
(દેવેન્દ્ર જાની, રાજકોટ)