દિવાળીએ શહેરમાં રંગોળીની સાથે જુદી-જુદી થીમ પર સ્પર્ધા

અમદાવાદઃ કોરોના રોગચાળાને કા૨ણે છેલ્લાં બે વર્ષથી લોકો દીપાવલી પર્વની ઉજવણી ધમાકેદા૨ રીતે કરી શક્યા નહોતા, દેશમાં કોરોના રસી ઝુંબેશને લીધે આ વર્ષે દીપાવલી પર્વ અનેક ઉમંગ-ઉત્સાહથી ઊજવાઈ ૨હ્યું છે. દિવાળીની રાત્રે ચોપડા પૂજન બાદ આકાશમાં આતશબાજીની રંગોળી જોવા મળશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જગતપુરના ગોદરેજ ગાર્ડન સિટીમાં દીપોત્સવીના પર્વ નિમિત્તે રંગોળીની સાથે જુદી-જુદી થીમ પર સ્પર્ધા યોજવામાં આવી હતી.

ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા તિવોલી,  કાર્મેલ,  વૃંદાવન, ઓર્ચાડ, પાઇનક્રેસ્ટ,  એડન જેવાં જુદાં-જુદાં એપાર્ટમેન્ટના રહીશોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વિસ્તારના અગ્રણી નવીન પટેલ ચિત્રલેખા. કોમને કહે છે, ગોદરેજ ગાર્ડન સિટી એક વિશાળ રહેણાક વિસ્તાર છે.,જેમાં જુદા-જુદા વિભાગ છે.

આ વિભાગોમાં વહેંચાયેલા લોકો જુદા-જુદા પ્રાંતમાંથી પણ આવ્યા છે.  આ તમામ લોકો એક પરિવારની જેમ રહે અને ઉત્સવોને તહેવારો ઊજવે એવો અમારો પ્રયાસ હંમેશાં રહે છે. જુદી-જુદી એક્ટિવિટી અને ઉત્સવો દ્વારા લોકોમાં એકતા, ભાઈચારો અને રચનાત્મક કાર્યો થાય એવી પ્રવૃત્તિ ઓ કરીએ છીએ.

દીપોત્સવીના પર્વે યોજાયેલી સ્પર્ધામાં રંગોળી, ઝગમગતાં દીવડાંની સાથે અયોધ્યા, ગોકુળ અને દેશભક્તિની કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)