મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીના 14મા કોન્વોકેશનની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. કોવિડ-19ની ગાઇડલાઇન્સનું યોગ્ય રીતે પાલન કરીને આ કોન્વોકેશન (પદવીદાન સમારંભ)ની પાંચ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. યુનિવર્સિટીની વિવિધ સાત ફેકલ્ટીના વિદ્યાર્થીઓને મર્યાદિત સંખ્યામાં બોલાવીને 15,16,17 અને 18 ડિસેમ્બરે તેમને પદવી અને ગોલ્ડ મેડલ્સ અર્પણ કરવામાં આવશે.
યુનિવર્સિટી દ્વારા 22 ડિસેમ્બરે તમામ પદવીધારક વિદ્યાર્થીઓ એકસાથે હાજર રહે એવું ઓનલાઇન કોન્વોકેશન-14 યોજવામાં આવશે, જેમાં અમેરિકાની કેલિફોર્નિયા સ્ટેટ પોલિટેક્નિક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સોરાયા. એમ કોલે ચીફ ગેસ્ટ તરીકે ઓનલાઇન ઉપસ્થિત રહેશે અને યુનિવર્સિટીના દાતા-અધિષ્ઠાતા અને પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે. આ 14મા કોન્વોકેશનમાં એન્જિનિયરિંગના 827, ફાર્મસી ફેકલ્ટીના 113, કોમ્પ્યુટર એપ્લિકેશન ફેકલ્ટીના 587 અને મેનેજમેન્ટ ફેકલ્ટીના 315 સહિત કુલ 2909 વિદ્યાર્થીઓને પદવીઓ આપવામાં આવશે, જેમાં 16 પીએચડીના 16 વિદ્યાર્થીઓ અને 75 ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ગણપત યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ ડો. મહેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ વિવિધ ફેકલ્ટીના ડીન અને અન્ય પરિવાર મિત્રોએ આ વર્ષના પાંચ દિવસના કોન્વોકેશનનું આયોજન કર્યું છે.