કિડનીની બીમારી સામે જંગ જીતતા યુવકની વાત

અમદાવાદઃ બહુ નાની 27 વર્ષની ઉંમરથી એક યુવક ગંભીર બીમારી સામે જુસ્સાસભેર લડત આપી રહ્યો છે. છેલ્લાં અઢાર વર્ષથી તે તેની ગંભીર બીમારીને હાથતાળી આપી રહ્યો છે અને આનંદથી જીવન વ્યતીત કરી રહ્યો છે. આ કિડની રોગના દર્દી ઉમેશ દેસાઈની વાત છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગામના સૌજન્યથી તેમની વાસ્તવિક જીવનની સફળતાની વાત રજત જયંતી સુધી પહોંચશે. 

45 વર્ષીય ઉમેશ દેસાઈના બાયોપ્સીના રિપોર્ટ પરથી કિડની ફેઇલની પુષ્ટિ થઈ ત્યારે તેની સામે ભવિષ્ય અંધકારમય હતું. દુર્ભાગ્યવશ કિડની પ્રત્યારોપણ માટે યોગ્ય મેળ શોધવા માટેના પ્રયત્નો પણ નિષ્ફળ નીવડ્યા. ડાકોરના વતની અને ભગવાન કૃષ્ણમાં અપાર શ્રદ્ધા ધરાવતા ઉમેશે અંતે માત્ર નિયમિત ડાયાલિસિસ કરવા સાથે પરિસ્થિતિ સામે લડત આપવાનો નિર્ણય કર્યો.

રાજ્યવ્યાપી ડાયાલિસિસ સેન્ટર્સનું નેટવર્ક ધરાવતા અને ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) દ્વારા સંચાલિત કરવામાં આવતો ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ દુનિયામાં ક્યાંય પણ કિડનીની દર્દીઓ માટે સૌથી વિશાળ ગવર્નમેન્ટલ ક્રિટિકલ હેલ્થ પ્રોગ્રામ સફળતાની ગાથા છે.

હું માત્ર ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP)ને કારણે સ્વસ્થ જીવનનો આનંદ માણવા સક્ષમ બન્યો છું કે જે મારા જેવા દર્દીઓ માટે વરદાન છે. અહીં ડાયાલિસિસની શ્રેષ્ઠતમ ગુણવત્તા છે, એમ જણાવતાં ઉમેશે ઉમેર્યું કે GDPના 465 ડાયાલિસિસ મશીન્સ સાથેનાં 46 કેન્દ્રોના નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં ક્યાંય પણ તે આનો લાભ મેળવી શકે છે.

રાજ્યમાં 52,000થી પણ વધુ એન્ડ સ્ટેજ રેનલ ડિસીઝ (ESRD)ના દર્દીઓ છે, પરંતુ માત્ર 16,000 દર્દીઓ ગુજરાતમાં ઉપલબ્ધ ડાયાલિસિસ માળખાના માધ્યમથી લાભ મેળવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છતા હતા કે અમે રાજ્યભરમાં કોઈ પણ દર્દીના ઘરની 30 કિલોમીટરના અંતરમાં ડાયાલિસિસ સુધી ઉપલબ્ધ કરાવી મુસાફરીનો સમય ઘટાડીએ. તેમની આ દીર્ઘદ્રષ્ટિને સાકાર કરવા માટે અમે મોટી સંખ્યામાં સેન્ટર્સ વધારવા માટે દ્રઢ સંકલ્પિત છીએ, એમ IKEDRCITSના નિયામક ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું.

આ કેન્દ્રો પર ડાયાલિસિસ કરાયેલા આશરે 3000 દર્દીઓના મેડિકલ રિપોર્ટનું નિયમિતપણે મૂલ્યાંકન કરવામાં આવે છે અને જીડીપીના ડાયાલિસિસની ગુણવત્તાની દેખરેખ માટે ત્રિસ્તરીય ચકાસણી કરવામાં આવે છે. ડો. મિશ્રાએ જણાવ્યું  હતું કે ભુજ અને ગાંધીધામમાં ટૂંક સમયમાં જ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.