શહેરમાં વટ સાવિત્રીના વ્રતની રંગેચંગે ઉજવણી

અમદાવાદઃ જેઠ સુદ પૂનમને મંગળવારના શુભ દિવસે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી થઈ રહી છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. વહેલી સવારથી જ મહિલાઓ વડનાં વૃક્ષો પાસે પૂજા-અર્ચના કરતી નજરે પડે છે.

પતિના દીર્ઘાયુ માટે તેમ જ પરિવારની સુખ-શાંતિ-સમૃદ્ધિ માટે મહિલાઓ અનેક વ્રતો, ઉપાસના, આરાધના, અનુષ્ઠાન કરતી હોય છે.

વટ સાવિત્રીના વ્રતના દિવસે પણ ઉપવાસની સાથે વડની પૂજા કરવામાં આવે છે.  સૂતરની આંટી અને પૂજા સામગ્રી સાથે મહિલાઓ વડની આસપાસ ફેરા ફરી પૂજા કરતી જોવા મળી હતી.

અમદાવાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારના મંદિરો અને ખુલ્લી જગ્યાઓમાં આવેલા વડ પાસે નવાં વસ્ત્રો અને પૂજાની થાળી સાથે હજારો સ્ત્રીઓ વટ સાવિત્રીનું વ્રત ઊજવતી જોવા મળી હતી.

આ વ્રત પરીણિત મહિલાઓ માટે છે. ઉત્તર ભારતમાં આ વ્રતનું મહત્વ વધુ છે. બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં જ્યેષ્ઠ અમાવસ્યા અને દક્ષિણ ભારતમાં એવું માનવામાં આવે છે કે વટ પૂજા જ્યેષ્ઠ પૂર્ણિમાએ કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]