ગુજરાતમાં આખરે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે પણ ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. તેમણા જણાવ્યા પ્રમાણે હવે રાજયમાં ઠંડી પડવાની શરૂઆત થશે જેમાં તાપમાનમાં ક્રમશ ઘટાડો થશે સાથે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થયો છે. અમરેલીમાં સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં લઘુતમ 19.9 ડિગ્રી, મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 0.9 ડિગ્રી તાપમાન ઘટ્યું છે.
આજે વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડો પર ત્રાટકશે. આ વખતે હજુ સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવ્યું નથી. આવી સ્થિતિમાં, તાપમાન તેના સ્તર પર રહે છે, જે ઠંડીના આગમનને અટકાવે છે. અગાઉના વર્ષોમાં 15 નવેમ્બર પહેલા પશ્ચિમી વિક્ષોભ બે-ત્રણ વખત આવતો હતો અને તાપમાનમાં ઘટાડો થતો હતો. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ઓછા દબાણને કારણે આંધ્રપ્રદેશથી તેલંગાણા તરફ ભેજનો પ્રવાહ ચાલુ છે. તેની અસર ઓડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળી શકે છે. રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, એકંદરે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી નજીવી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો વર્તાવવા લાગ્યો છે.
