સીએમએ પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની કરી સર્વગ્રાહી સમીક્ષા

  • મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસા પૂર્વેના આગોતરા આયોજનની કરી સમીક્ષા
  • મહાનગરોમાં પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની સજ્જતા અંગે મોકડ્રીલ યોજવામાં આવી
  • મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા અને 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા
  • બદલાતી વરસાદી પેટર્ન ધ્યાને રાખીને એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થા ઊભી થવી જોઇએ
  • આ વર્ષે બનેલા રસ્તાઓમાં ચોમાસામાં ક્ષતિ થશે તો સંબંધિતો સામે પગલાં લેવામાં ખચકાટ નહિં રખાય
  • નાગરિકો-લોકોની નાની-નાની રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે-અધિકારીઓ ફોન પર ઉપલબ્ધ રહે તે જોવા તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2023 અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા કે બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે.  તેમણે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી હતી.  તેમણે ખાસ કરીને માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહિં તેવી તાકીદ કરતાં કહ્યું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઇ ક્ષતિ ઊભી થાય તો સંબંધિતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં નહિં આવે.

સીએમે મહાનગરોમાં લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવઓ તથા અગ્ર સચિવઓની ઉપસ્થિતીમાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરઓએ પોતાના મહાનગરોમાં કરેલા આયોજનોની વિસ્તૃત વિગતો આપી હતી.

તદ્દઅનુસાર, પ્રિ-મોન્સુન એક્શન પ્લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરીત અને ભયજનક ઇમારતો-મિલ્કતને દૂર કરવાની કામગીરી, 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. મહાનગરોમાં આ કાર્યવાહી સંદર્ભે મોકડ્રીલ પણ યોજવામાં આવી છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.

ભારે વરસાદને કારણે નાગરિકો, પશુઓનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો રિહેબીલીટેશન ટીમ, સલામત સ્થળો નિર્દિષ્ટ કરવાની કામગીરી અંગે પણ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી.