મેઘા પાટકરનું સમર્થન કરીને કોંગ્રેસે ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છેઃ CM

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નર્મદા બચાવ આંદોલનકારી મેઘા પાટકરનું સમર્થન કરનારી કોંગ્રેસ પાર્ટીએ તેનું ગુજરાત વિરોધી વલણ છતું કર્યુ છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ હવે મેઘા પાટકર સાથેના સંબંધોથી ખૂલ્લી પડી ગઇ છે. ભૂતકાળમાં નર્મદા યોજના ન બને તેવા અંતિમ લક્ષ્ય સાથે કારસા કરનારા મેઘા પાટકરનું સમર્થન કરીને તેમણે ગુજરાતનું હિત કર્યુ છે. તેમ કહેનારી કોંગ્રેસ સ્વયં ગુજરાત વિરોધી છે.વિજય રૂપાણીએ કોંગ્રેસ અને મેઘા પાટકરને આડે હાથ લેતાં જણાવ્યુ કે, મેઘા પાટકરને કારણે નર્મદા યોજનામાં કેટલો વિલંબ થયો તેમજ કોંગ્રેસના શાસનમાં ડેમની ઊંંચાઇ વધારવા કે દરવાજા મુકવાની પરવાનગી ન મળી તે ગુજરાતી પ્રજા સારી રીતે જાણે છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની સરકાર બનતાં જ માત્ર ૧૭ દિવસમાં નર્મદા યોજના માટે ઊંચાઇ વધારવાની પરવાનગીનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના હિતમાં લેવાયો હતો. આ યોજના નરેન્દ્રભાઇના પ્રયત્નોથી જ પૂર્ણ થઇ છે એ સૌ કોઇ જાણે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.