લાંબડીયાથી શરુ થયો શાળા પ્રવેશોત્સવ, 1.45 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ લોકાર્પિત

હિંમતનગર- મુખ્યમંપ્રધાન વિજય રૂપાણીએ આજથી શરુ થતાં શાળા પ્રવેશેત્સવને લઇને સાબરકાંઠા જિલ્લાના લીંબડિયા, દેમતી અને નવાધરા ગામની શાળામાં જઈ બાળકોનું નામાંકન કરાવી વિધિવત શરુઆત કરાવી હતી.આ સાથે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ 2018નો પ્રારંભ થયો છે. લાંબડીયામાં બાળકો અને આંગણવાડીમાં 50 ભૂલકાંઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ મહેસાણા જિલ્લાના ગામોમાં આ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યાં છે. બે દિવસના આ મહોત્સવમાં તમામ પ્રધાનો, IAS, IPS અધિકારીઓ પણ જોડાશે.ઉલ્લેખનીય છે કે આ વખતે નવીન પગલાં તરીકે પ્રાથમિક શાળામાં નામાંકન સાથે ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનો પણ પ્રવેશોત્સવ શરૂ કરાયો છે.આ પ્રસંગે રુપાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ વિના ઉદ્ધાર નથી અને શિક્ષણ જ સર્વાંગી વિકાસનો પાયો છે ત્યારે શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.આ ઉપરાંત સીએમે આદિજાતિ પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. ૧.૪પ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા રૂા. પ.૦૮ કરોડના ખર્ચે બનાવાયેલા પ્રાથમિક શાળાઓના ૬૦ ઓરડાઓનું પણ લોકાર્પણ કર્યુ હતુ. પોશીના તાલુકાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા સરસ્વતી સાધના યોજના અંતર્ગત દીકરીઓને સાયકલોનું પણ વિતરણ કરાયું હતું. આદિજાતિ વિસ્તારમાં કુલ ૪પ એકલવ્ય શાળાઓ અને પપ૦થી વધુ આશ્રમશાળાઓ ચાલે છે. કાર્યક્રમ દરમિયાન સીએમ રુપાણીએ પારસ વિદ્યાલયના એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરી શાળામાં શૈક્ષણિક સુવિધાઓ, અન્ય સુવિધાઓ અનુકુળ વાતાવરણ માટે શિક્ષકો-વાલીઓ વચ્ચે સમન્વય સહયોગ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા કરી સૂચનો કર્યા હતાં અને શાળા પટાંગણમાં વૃક્ષારોપણ, દાતાઓના દાન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પણ કરવામાં આવ્યાં હતાં.