CM રુપાણીનું ‘ડિપ્લોમેટિક મિશન’: વેપારધંધાથી આગળ વધીને હવે આ માટે આતુર છીએ

નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં ડિપ્લોમેટિક મિશનના વડાઓને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાત વેપાર-વાણિજ્ય અને મૂડીરોકાણથી પણ આગળ વધીને બીજા દેશો સાથે એવી અતૂટ મૈત્રી પ્રસ્થાપિત કરવા આતુર છે જે પારસ્પરિક વિશ્વાસ અને સહભાગીતાના મજબૂત પાયા પર રચાઈ હોય. તેમણે કહ્યું કે, વિશ્વ આજે અનેક વૈવિધ્યોની માયાજાળમાં અટવાયેલું છે અને સમાજો વિખૂટા પડી રહ્યા છે ત્યારે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ફલક પર વ્યાપેલા પ્રશ્નોના સમાધાન શોધવા દુનિયામાં મૈત્રીભર્યા સંબંધો અત્યંત મહત્વના સાબિત થશે.૧૮-૧૯-૨૦ જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારી નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અનુસંધાને સીએમ રુપાણીએ શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં ડિપ્લોમેટિક મિશનના વડાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

સીએમ રુપાણીએ ભાર મૂક્યો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમના નેતૃત્વમાં ગુજરાતના આર્થિક-સામાજિક વિકાસની આ સફર શરૂ થઈ છે. ગુજરાતમાં ટોચના મલ્ટીનેશનલ ઉદ્યોગગૃહોના અનેક એકમો કાર્યરત છે. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૭ના માત્ર સાત વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાતે ૧૦.૫ બિલિયન યુએસ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ્સ, એન્જિનિયરીંગ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સ્ટાઈલ્સ, ગારમેંટ્સ, સિરામિક, જેમ્સ એંડ જ્વેલરી, એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ફોર્ચ્યુન-૫૦૦ કંપનીઓ અને ભારતની મોટી મલ્ટીનેશનલ કંપનીઓએ મૂડીરોકાણ માટે ગુજરાતને પોતાની પસંદગીનું રાજ્ય બનાવ્યું છે.

મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં જંગી મૂડીરોકાણને આકર્ષવાની સાથોસાથ ગુજરાત સરકારે ફોરવર્ડ-બેકવર્ડ લિંકેજ તેમજ કોસ્ટ કોમ્પીટેટીવનેસ માટે એક સાનુકૂળ ઈકોસિસ્ટમ ઊભી કરવાની અગત્યતાને પણ સુપેરે સમજી છે. પરિણામે રાજ્યમાં માઈક્રો, સ્મોલ અને મિડીયમ એંટરપ્રાઈસનો પણ સુદ્રઢ વિકાસ થયો છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટ્સની નિકાસમાં પણ અગ્રણી સ્થાને છે.

ગુજરાતનું રોડ, રેલ, પોર્ટ અને હવાઈ નેટવર્ક માત્ર ભારતના જ નહિ પરંતુ એશિયા, આફ્રિકા, મીડલ ઈસ્ટ અને યુરોપના બજારો સાથે પણ જોડાયેલું છે. આંતરરાષ્ટ્રીય સહભાગિતા અને જુદા-જુદા દેશો સાથે દ્વિપક્ષીય મુલાકાતોએ રાજ્યના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી છે.

ગુજરાતે ઓસ્ટ્રેલિયા, ચાઈના, જાપાન, ઈઝરાયલ, પોલેન્ડ, રશિયા, યુએસએ અને ઉઝબેકીસ્તાન સહિતના વિવિધ દેશોની કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે સીસ્ટર સ્ટેટ કે સીસ્ટર સિટીના કરારો કર્યા છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત જાપાન, કેનેડા અને ઈઝરાયલના પ્રધાનમંત્રીશ્રીનું યજમાન બની ચૂક્યુ છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આ અગ્રણી નેતાઓ સાથે યોજાયેલા વાર્તાલાપોએ વિવિધ ક્ષેત્રોમાં આ દેશો સાથે સહભાગિતાનું ફલક વિસ્તારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સહભાગિતા આવનારા સમયમાં ગુજરાતના વિકાસને વધુ વેગ આપશે. દુનિયા સાથેના ગુજરાતના સબંધો બંને પક્ષે લાભદાયી બની રહેશે.

સીએમે વિવિધ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ડિપ્લોમેટિક મિશનના વડાઓ સમક્ષ લાગણી વ્યક્ત કરી હતી કે, તેઓ દુનિયાના દેશો સાથે ગુજરાતને જોડવામાં મદદરૂપ બને. તેમણે કહ્યું હતું કે, વિકસિત દેશો ટેક્નોલોજી ટ્રાન્સફર બાબતે સહાયરૂપ બની શકે એમ છે. ગુજરાતમાં કોપીરાઈટની સુરક્ષા માટે એવી ઈકોસીસ્ટમ ઊભી કરી શકાય એમ છે કે, કોઈ દેશ ગુજરાત સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં ખચકાય નહિ. ગુજરાતના સ્થાનિક યુવાનો આ ટેક્નોલોજીના આધાર પર ઈનોવેટીવ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ તૈયાર કરશે. ઘણા દેશો એવા છે જ્યાં ભારતમાં ઉપલબ્ધ ન હોય તેવું રો-મટીરિયલ મોટા પ્રમાણમાં મળે છે. દેશમાં આજે મોટા પાયે નિર્માણકાર્યો અને સંશોધનો થઈ રહ્યા છે ત્યારે રો-પ્રોડક્ટ્સ સપ્લાય કરવા ઉત્સુક હોય તેવા દેશો સાથે જોડાણ કરવામાં આપ સહાયરૂપ બની શકો છો. ગુજરાત એવા વિદેશી બજારોની શોધમાં છે જ્યાં ગુજરાતની કંપનીઓ મૂડીરોકાણ, વેચાણ અને નિકાસ કરી શકે.

રુપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ  ગુજરાત ગ્લોબલ સમિટ આ જ દિશાનું એક કદમ છે. આ સમિટની અગાઉની આઠ શ્રુંખલાઓ અત્યંત સફળ રહી છે, અને આ સમિટે વિશ્વભરમાં પોતાની એક આગવી મહત્તા સ્થાપિત કરી છે. આગામી જાન્યુઆરી-૨૦૧૯માં યોજાનારી સમિટનું વિવિધ દેશોના વડાઓ અને અનેક વૈશ્વિક કંપનીઓના સીઈઓની હાજરીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેંદ્રભાઈ મોદી ઉદ્ઘાટન કરશે. દુનિયાભરના બિઝનેસ લીડર્સ, ઈન્વેસ્ટર્સ સહિત મોટી સંખ્યામાં ટ્રેડર્સ, આયાત અને નિકાસકારો મળીને ૩૫૦૦૦થી વધુ લોકો તેમાં ભાગ લેશે એવી ધારણા છે. તેમણે ડિપ્લોમેટિક મિશનના વડાઓને આ સમિટમાં જોડાવા અને ગુજરાતમાં ઉપલબ્ધ નેટવર્કિંગ તેમજ નોલેજ-શેરિંગની તકોનો મહત્તમ લાભ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.

રાજ્યના મુખ્ય સચિવ ડો.જે. એન. સિંહે ગુજરાતને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ ગણાવતા કહ્યું કે, ગુજરાતે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે અગ્રેસર રહીને માત્ર વેપાર ઉદ્યોગ જ નહીં સર્વિસ સેક્ટર હેલ્થ કેર સેક્ટર તેમજ ફ્યુચરિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે. તેમણે ગિફ્ટ સિટી. ડ્રીમ સિટી – ધોલેરા, એસ.આઇ.આર.ડી., એમ.આઇ.સી., બુલેટ ટ્રેન સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાબરમતી રિવરફ્રન્ટ જેવા વિકાસના વિશ્વસ્તરના આયામો ગુજરાતે અપનાવ્યા છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. મુખ્ય સચિવશ્રીએ વિશ્વના રોકાણકારોને વાયબ્રન્ટ સમિટમાં જોડાઇ વિકાસ યાત્રાના ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.

ભારત સરકારના વિદેશ સચિવ શ્રી વિજય ગોખલેએ વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે હવે અન્ય રાજ્યો પણ એ તરફ આકર્ષાયા છે તેમ જણાવ્યું હતું. તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯માં વિદેશી મૂડી રોકાણો ઉપરાંત અન્ય રાષ્ટ્રો સાથે ઉષ્માપૂર્ણ અને આર્થિક-વ્યાપારીક સંબધો માટે પણ ઉપયુક્ત બનશે.

આ ઇન્ટરેક્શન બેઠકમાં વિવિધ દેશોના દિલ્હી સ્થિત રાજદૂતો, ડિપ્લોમેટ્સ તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો અને ભારત સરકારના અધિકારીઓ પણ જોડાયા હતા.

નવી દિલ્હીમાં ડિપ્લોમેટિક મિશનના વડાઓને મુખ્યપ્રધાન વિજય રુપાણીનું સંબોધન

-ગુજરાત વેપાર વાણિજ્ય અને મૂડીરોકાણથી પણ આગળ વધીનેવિવિધ દેશો સાથે અતૂટ મૈત્રી પ્રસ્થાપિત કરવા આતુર છે.

 -ગુજરાતે માત્ર સાત વર્ષના ટૂંકા ગાળામાં૧૦.૫ બિલિયન યુએસ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે.

 -ગુજરાતમાં કોપીરાઈટની સુરક્ષા માટે એવી ઈકોસીસ્ટમ ઊભી કરી શકાય એમ છે કે, કોઈ દેશ ગુજરાત સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર કરવામાં ખચકાય નહીં

 -નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દુનિયાભરના બિઝનેસ લીડર્સ, ઈન્વેસ્ટર્સ સહિત ટ્રેડર્સ, આયાત અને નિકાસકારો મળીને ૩૫૦૦૦થી વધુ લોકો ભાગ લેશે એવી અપેક્ષા છે.