અમદાવાદ સિવિલમાં નન્હી પરીને આવકારતાં સીએમ રુપાણી

અમદાવાદ-મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની શરુઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરી હતી. આજે રાત્રે ૧૨ વાગ્યા પછી જન્મેલી  ‘નન્હી પરી’ એવી દીકરીઓને વાત્સલ્યભાવથી આવકારીને આ શરુઆત કરી હતી.

મુખ્યપ્રધાન રુપાણી સવારે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં અને સંગીતના સુમધુર વાતાવરણમાં દીકરી જન્મોત્સવની ઉજવણીના પ્રતીકરુપે નન્હી પરીઓને એકતરફ લક્ષ્‍મીજી અને બીજીતરફ સરસ્વતી માતાની મુદ્રા ધરાવતાં ચાંદીના પાંચ ગ્રામના સિક્કા અને ગુલાબનું ફુલ, મીઠાઇ, ઝભલું, ટોપી, મોજા અને સાબુ ધરાવતી મમતા કીટ આપીને કરી હતી.

રૂપાણીએ પ્રસૂતા વોર્ડમાં માતાઓ-નવજાત બાળકીઓને સામે ચાલીને મળવા ગયાં હતાં. તેમણે નવી જન્મેલી દીકરીઓને ખોળામાં લઇ સ્નેહ વરસાવ્યું અને પિતૃવાત્સલ્ય વડીલભાવની સૌને સંવેદના સ્પર્શી અનુભૂતિ કરાવી હતી.

સીએમે નવજાત દીકરીઓના દરેક બેડ પર જઇ તબીયતની પૃચ્છા કરી દીકરીઓની માતાઓને દીકરી એ તો લક્ષ્‍મીજીનું સ્વરૂપ છે તેમ જણાવી ભવિષ્યમાં ભણાવીગણાવી સમાજમાં મોભાદાર સ્થાન આ દીકરીઓ મેળવે તે માટેની કાળજી લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે ગુજરાતની તમામ મહિલાશક્તિને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે જણાવ્યું કે, આજે રાત્રે ૧૨-૦૦ વાગ્યાથી આજ રાતના ૧૨-૦૦ વાગ્યા સુધી જન્મેલી બાળકીઓનું રાજ્ય સરકાર નન્હી પરી તરીકે સન્માન કરશે.