રાજકોટમાં ઉમિયાધામનું CMએ કર્યું ખાતમુહૂર્ત

રાજકોટ જિલ્લામાં ઉમિયાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે. માઁ ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર પામવા જઈ રહ્યું છે. નોંધનિય છે કે મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે. જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્બારા આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અનેકવિધ વિકાસકામોનાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન તેમજ તક્તી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું.

રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને ટકોર કરતાં જણાવ્યું હતું કે જે રીતે માતાજીના ભવ્ય મંદિર બનાવી રહ્યા છીએ એવી જ રીતે આપણે સમાજની જરૂરિયાતો, નગરની જરૂરિયાતો અને ઉદ્યોગની જરૂરિયાતો ધ્યાનમાં રાખી આગળ વધવું જોઈએ. વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું જોઈએ. સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવી જોઈએ. યુવાનોને વ્યસનો અને આદતોથી દૂર રાખશો તો સમાજ છે એના કરતાં પણ હજુ આગળ વધશે.

આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાંસદ રૂપાલાની ટકોરમાં સાથ પુરાવી જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું એ સાચી વાત છે. સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે. સરકાર પણ સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દરેક ઝોનમાં કાર્યક્રમ કરી રહી છે. અમદાવાદમાં કાર્યક્રમ કર્યો, આગામી દિવસોમાં સુરત અને રાજકોટમાં પણ કાર્યક્રમ કરીશું. ઉમિયા મંદિર સંસ્થાન દ્વારા ધર્મના કાર્યની સાથે સમાજ સેવાનાં કર્યો પણ કરવામાં આવશે. ધર્મ સેવા હોય કે સમાજ સેવા હોય, ફળની ચિંતા કર્યા વગર પાટીદાર સમાજ કાર્ય કરી રહ્યો છે. સુશાસનના ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટને 1 દિવસમાં 793 કરોડનાં વિકાસકામોની ભેટ મળી રહી છે. શહેરોનું 750 કરોડનું બજેટ 21,696 કરોડનું થયું છે.

ઉમિયા માતાજી સંસ્થાનના મંદિરને પ્રથમ તબક્કે બનાવવામાં આવશે. આ સાથે સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર મંદિર નિર્માણ કરવામાં આવશે. અયોધ્યા મંદિરમાં જે પથ્થર ઉપયોગ કરવામાં આવ્યા છે એ જ ભરતપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરી આ મંદિર બનાવવામાં આવશે, જેમાં એકબીજા પથ્થરને જોડીને બાંધકામ કરવામાં આવશે. આ કામ માટે લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગશે. કડવા પાટીદાર પરિવારોનાં કુળદેવી માઁ ઉમિયાના મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સેવાશ્રમ પણ બનાવવામાં આવશે. મંદિર કુલ 2 એકરમાં અને શૈક્ષણિક સંકુલ તેમજ આરોગ્યધામ સેવાશ્રમ 10 એકરમાં આકાર લેશે.