૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે.એલ.બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક જિગર ખુંટ સહિત માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી છે.
ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી સાથે પ્રસ્તુત થઈ હતી. ગુજરાતની ઝાંખીના ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો સી-૨૯૫ એરક્રાફ્ટ ઉત્પાદન યુનીટ, સેમી કન્ડક્ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું બખૂબી નિદર્શન કરવામાં આવ્યું હતું.