અમદાવાદઃ રાજ્યમાં ડ્રગ્સની માફિયાખોરી ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ્યનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે રૂ. 30,000 કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. જેથી શહેરના જગતપુરમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીના સેન્ટ્રલ ગાર્ડનમાં રવિવારની વહેલી સવારે ‘ સે નો ટુ ડ્રગ્સ વોકાથોન-2021’નું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી સરકાર નશીલા પદાર્થો પકડીને યુવાનોને નશામાંથી મુક્તિ અપાવવા પ્રયત્નો કરી રહી છે. સરકારના જુદા-જુદા વિભાગ સમાજ નશા મુક્ત થાય એના ભરપૂર પ્રયાસ કરે છે. નશાનો સામાન વેચનાર અને નશો કરનાર પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ એક જાગ્રત સમાજ તરીકે ગોદરેજ ગાર્ડન સિટી જીજીસી યુથ કલબના સભ્યોએ એક વોકાથોન યોજી આખાય વિસ્તારમાં ‘ સે નો ટુ ડ્રગ્સ’ નો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
જીજીસી યુથ કલબના આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી ઝંડી ફરકાવી વોકાથોનને શરૂ કરાવી હતી. આ સાથે વિસ્તારના કોર્પોરેટર ભરતભાઈ પટેલ, રાજેશ્વરીબહેન પંચાલ અને પોલીસ અધિકારીઓ તેમ જ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યુવાનો અને વિદ્યાર્થીઓથી ભરચક આ વિસ્તારના લોકોમાં ડ્રગ્સની જાગ્રતતા વધે, નશાથી લોકો દૂર રહે એ માટે કાર્મેલ, તિવોલી, ઇડન, ઓર્ચાડ જેવા તમામ વિભાગોમાં વોકાથોન યોજવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)