નિયમોની ઐસીતૈસીઃ 70-ટકા અમદાવાદીઓએ દંડ નથી ભર્યો

અમદાવાદઃ અમદાવાદીઓ ટ્રાફિકના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવામાં તો શૂરા છે, પણ ટ્રાફિક વિભાગ દ્વારા લગાવવામાં આવતા દંડની રકમ ભરવામાં ઊણા છે. ટ્રાફિક વિભાગે શહેરમાં ટ્રાફિકના જંક્શનો પર 150થી વધુ કેમેરા સ્થાપિત કર્યા છે. વિભાગે આ કેમેરાથી ટ્રાફિકના ઉલ્લંઘન કરવા બદલ અમદાવાદીઓ પાસેથી રૂ. 192.41 કરોડનાં લેણાં છે. વિભાગનો ઈ-ચલણના માધ્યમથી નાગરિકોને દંડ કરવાનો ઉદ્દેશ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો છે. જોકે દંડનાં બાકી લેણાંની રકમમાં વધારો થઈ રહ્યો છે.

વિભાગના ડેટા અનુસાર કુલ ઈ-ચલણમાંથી માત્ર 30 ટકા રકમ અમદાવાદીઓએ ભરી છે. વર્ષ 2015થી 2021  સુધીમાં વિભાગે કુલ 71,39,312 ઈ-ચલણો ઇસ્યુ કર્યા છે, જેમાંથી  77,949 ઈ-ચલણો રદ થયાં છે. વળી, અમદાવાદીઓએ અત્યાર સુધીમાં20,78,966 ઈ-ચલણોના દંડની રકમ ભરી છે, જ્યારે બાકીનાં 49,82,397 ઈ-ચલણો, જેના દંડની કુલ રકમ રૂ. 192.41 કરોડ છે, એની ચુકવણી હજી સુધી નથી કરી. વળી, એમાં પણ 2021માં રૂ. 70 કરોડની ઈ-ચલણના દંડની રકમનાં લેણાં હજી બાકી છે, જે સૌથી ટોચ પર છે.

જોકે વિભાગનાં બાકી લેણાં વિશે ટિપ્પણી કરતાં JCP ટ્રાફિક મયંકસિંહ ચાવડાએ કહ્યું હતું કે અમારી પાસે આ દંડની રકમ વસૂલવા માટે બે રસ્તા છે. અમે RTOને એક પત્ર લખ્યો છે અને એ ઈ-ચલણના દંડની રકમ વસૂલવા માટે વાહનમાલિકોના નામ-સરનામાંની વિગતો માગી છે.જેથી અમે તેમને SMS અથવા વોટ્સએપ દ્વારા ઈ-ચલણ મોકલી શકીએ.